Last Updated on by Sampurna Samachar
પોલીસે વિસ્તાર સીલ કરીને પ્રાથમિક તપાસ શરૂ કરી
બ્લાસ્ટમાં વકીલો અને નાગરિકો ઘાયલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં હાઈકોર્ટ નજીક એક કારમાં વિસ્ફોટ થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર આ વિસ્ફોટમાં લગભગ ૫ લોકોના મોત થયા છે અને ૨૦થી ૨૫ લોકો ઘાયલ થયા છે.

ઇસ્લામાબાદ કોર્ટ પરિસરના પાર્કિંગ એરિયામાં ઊભેલી એક કારમાં સિલિન્ડર ફાટવાથી બ્લાસ્ટ થયો, જેનો અવાજ દૂર સુધી સંભળાતા અફરાતફરી મચી ગઈ. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ભારે ટ્રાફિક અને ભીડ વચ્ચે થયેલા આ બ્લાસ્ટમાં કેટલાક વકીલો અને નાગરિકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે પોલીસે વિસ્તાર સીલ કરીને પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે.
લોકોને સાવધાની રાખવાની પોલીસની અપીલ
પ્રાથમિક રિપોર્ટ્સ મુજબ, આ બ્લાસ્ટ સિલિન્ડર ફાટવાને કારણે થયો હોવાનું પોલીસ માની રહી છે, પરંતુ મામલાની સઘન તપાસ ચાલુ છે. ઘટનાસ્થળે સુરક્ષા દળો અને ફોરેન્સિક ટીમ તૈનાત છે, જે ધમાકાના કારણ અને સંભવિત બેદરકારીની તપાસ કરી રહી છે. આ ઘટના બાદ કોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવાઈ છે, કોર્ટની તમામ કામગીરી સ્થગિત કરાઈ છે અને પોલીસે લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે.