Last Updated on by Sampurna Samachar
કારની ટક્કરથી બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત
ટક્કર એટલી જોરદાર હતી કે વીજ પોલ વળી ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ જિલ્લાના ખંભોળજ-સારસા રોડ પર મધરાતે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરઝડપે દોડી રહેલી કારની ટક્કરથી બાઇકચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.

બનાવની વિગતો મુજબ, આ ગમખ્વાર અકસ્માત રાત્રિના આશરે દોઢ વાગ્યાના સુમારે ખંભોળજ-સારસા રોડ પર સર્જાયો હતો. મૃતક યુવકની ઓળખ ધોળી ગામના તુષાર પરમાર તરીકે થઈ છે. પૂરપાટ ઝડપે દોડી રહેલી ક્રૂઝર ગાડીના ચાલકે રસ્તા પર જઈ રહેલા તુષાર પરમારના બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
ફરાર થયેલા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે, બાઇકચાલક યુવક રસ્તાની બાજુમાં આવેલી દીવાલ સાથે અથડાતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાઇકને ટક્કર માર્યા બાદ ક્રૂઝર કાર અનિયંત્રિત બનીને વીજપોલ સાથે અથડાઈને વીજ ડીપીમાં ઘૂસી ગઈ હતી.
અકસ્માતની તીવ્રતા એટલી હતી કે, વીજ પોલ પણ વળી ગયો હતો અને વીજ ડીપી ધરાશાયી થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ખંભોળજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, અકસ્માત સર્જી ફરાર થયેલા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.