Last Updated on by Sampurna Samachar
સૂર્યકુમારે અત્યાર સુધીમાં ૪૭ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું
ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનો વિશ્વ રેકોર્ડ તોડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. રોહિતની નિવૃત્તિ પછી સૂર્યકુમાર યાદવને ભારતીય T20 ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સૂર્યાએ કેપ્ટન તરીકે પણ શાનદાર પ્રદર્શન કર્યું, ટીમ ઈન્ડિયાને ઘણી મહત્વપૂર્ણ મેચોમાં વિજય અપાવ્યો છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા હાલમાં ૨૦૨૬ T20 વર્લ્ડ કપમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી રહી છે.

ભારતે પોતાના અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં નેધરલેન્ડ્સને ૧૭ રનથી હરાવીને સતત ચોથી જીતની સાથે સુપર ૮માં એન્ટ્રી મારી છે. આ જીત સાથે કેપ્ટન સૂર્યાએ T20 ક્રિકેટમાં એક મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યો છે, જેમાં તેણે ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે.
ભારત T20 વર્લ્ડ કપમાં સતત ૧૨ મેચ જીતનાર પ્રથમ ટીમ
નેધરલેન્ડ્સ સામેની મેચમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી અને ૧૯૪ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. તેના જવાબમાં નેધરલેન્ડ્સ ફક્ત ૧૭૬ રન જ બનાવી શક્યું. આ જીત સાથે કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં શ્રેષ્ઠ જીત ટકાવારીનો રેકોર્ડ બનાવ્યો છે. ૮૦.૮૫% ની જીત ટકાવારી સાથે સૂર્યા હવે T20 ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટન બની ગયો છે, આ સંદર્ભમાં રોહિત શર્મા (૮૦.૬૫%) ને પાછળ છોડી દીધો છે.
સૂર્યકુમારે અત્યાર સુધીમાં ૪૭ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી ૩૮ મેચમાં જીત મેળવી છે અને ફક્ત ૭ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારતે ૬૨ મેચમાંથી ૫૦ મેચ જીતી છે. એમએસ ધોનીની જીત ટકાવારી ૫૮.૩૩% હતી, જ્યારે વિરાટ કોહલીની ૬૪% હતી.
T20 ઇતિહાસમાં કેપ્ટન તરીકે શ્રેષ્ઠ જીત ટકાવારી
સૂર્યકુમાર યાદવ – ૮૦.૮૫%
રોહિત શર્મા – ૮૦.૬૫%
અસગર અફઘાન – ૮૦.૩૯%
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે, ગ્રુપ સ્ટેજમાં સતત ચાર મેચ જીતીને સુપર ૮ માં પહોંચી છે. અંતિમ ગ્રુપ સ્ટેજમાં નેધરલેન્ડ્સ સામે જીત મેળવીને ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારત T20 વર્લ્ડ કપમાં સતત ૧૨ મેચ જીતનાર પ્રથમ ટીમ બની ગઈ છે.
ભારતીય ટીમ છેલ્લે ૨૦૨૨ના T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી. ત્યારથી ભારતે પાછળ વળીને જોયું નથી. ચાહકોને આશા છે કે આ વખતે પણ ટીમ ઈન્ડિયા એક પણ મેચ હાર્યા વિના ટ્રોફી ડિફેન્ડ કરવામાં સફળ રહેશે અને ઇતિહાસ રચશે.