કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ અને કામદારો માટે ઓપન વર્ક પરમિટમાં થયા સુધારા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેનેડાની સરકારમાંથી ટ્રંડોના ગયા બાદ વિદેશી વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં કેનેડા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને વિદેશી કામદારોના જીવનસાથી માટે ઓપન વર્ક પરમિટ નિયમોમાં સુધારો કર્યો છે, જે ૨૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી લાગુ થવા જઇ રહ્યો છે. નવા નિયમ મુજબ અધ્યયન કાર્યક્રમોની સમય મર્યાદા અને ઉચ્ચ માંગવાળી નોકરીઓના ક્ષેત્રો પર કેન્દ્રિત ચોક્કસ માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓપન વર્ક પરમિટથી હજારો ભારતીયોને ફાયદો થાય છે. માત્ર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને વિદેશી કામદારોના જીવનસાથીઓ OWP માટે અરજી કરી શકશે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
ઓપન વર્ક પરમિટમાં કરાયેલા સુધારાથી ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. ઘણા વિદ્યાર્થીઓ હવે જ્યારે તેઓ કેનેડામાં અભ્યાસ કરે છે અથવા કામ કરે છે ત્યારે તેમના જીવનસાથીને કામ પર લાવી શકશે. નવી OWP પાત્રતા માસ્ટર પ્રોગ્રામ્સ, ડોક્ટરલ પ્રોગ્રામ્સ અથવા ૧૬ મહિના અથવા વધુ સમયગાળાના પસંદ કરેલા વ્યાવસાયિક પ્રોગ્રામ્સમાં નોંધાયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના જીવનસાથીઓ સુધી મર્યાદિત રહેશે.
૨૧ જાન્યુઆરી, ૨૦૨૫થી ફક્ત પાત્રતા ધરાવતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને વિદેશી શ્રમિકોના જીવનસાથી જ OWP માટે અરજી કરી શકશે, જેમાં શિક્ષણ કાર્યક્રમનો સમયગાળો તથા ઉચ્ચ માંગ ધરાવતી નોકરી ક્ષેત્ર પર કેન્દ્રીય ખાસ માપદંડો હશે. આ બદલાવ સાથે ભારતીય વિદ્યાર્થીઓનો ફાયદો થશે કેમ કે હવે ઘણા ભારતીયો કેનેડામાં અભ્યાસ અથવા કામ કરવા દરમિયાન પોતાના જીવનસાથીને કેનેડા લાવી શકશે.
ઉલ્લેખનીય છે કે ભારતમાંથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જાય છે અને પછી પીઆર મેળવતા હોય છે. ઈમિગ્રેશન, રેફયુઝિઝ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)ના જણાવ્યા અનુસાર તેમાં પ્રાકૃતિક અને એપ્લાઇડ સાયન્સ, નિર્માણ, સ્વારથ્ય સેવા, પ્રાકૃતિક સંસાધન, શિક્ષણ, રમત અને સૈન્ય ક્ષેત્રોમાં વ્યવસાયનો સમાવેશ થાય છે. જોકે આ કાર્યક્રમની મુખ્ય શરત એ છે કે જ્યારે જીવનસાથી OWP માટે અરજી કરે તે સમયે વિદેશી કર્મચારી પાસે ઓછામાં ઓછા ૧૬ મહિના માટેની વર્ક પરમિટ હોવી જોઈએ.