Last Updated on by Sampurna Samachar
કેનેડિયન ટીમ ભારતમાં વર્લ્ડ કપ રમશે
૨૦ માંથી ૧૩ ટીમો ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ક્વોલિફાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ ટુર્નામેન્ટ આવતા વર્ષે રમાશે તેમ જાણવા મળી રહ્યુ છે. ત્યારે આ વખતે ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યા છે. આ વખતે એક નવી ટીમ T૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ક્વોલિફાય થઈ છે. આ વખતે કેનેડાની ટીમ પહેલીવાર T૨૦ વર્લ્ડ કપ રમતી જોવા મળશે. કેનેડાએ હોમ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે.
કેનેડાએ યુએસ ક્વોલિફાયરમાં બહામાસને હરાવીને પહેલીવાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. આ મેચમાં કેનેડાએ શાનદાર બોલિંગ કરી અને બહામાસને ફક્ત ૫૭ રનમાં ઓલઆઉટ કરી દીધું. કેનેડા તરફથી બોલિંગ કરતી વખતે, કલીમ સના અને શિવમ શર્માએ ૩-૩ વિકેટ લીધી. પછી કેનેડાએ ૫.૩ ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું. કેનેડા તરફથી બેટિંગ કરતી વખતે દિલપ્રીત બાજવાએ ૧૪ બોલમાં ૩૬ રનની અણનમ ઇનિંગ રમી હતી.
કેનેડાએ બહામાસને હરાવ્યુ
અમેરિકા ક્વોલિફાયરમાં કેનેડિયન ટીમનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું. નિકોલસ ર્કિટનના નેતૃત્વમાં કેનેડાએ પ્રાદેશિક ફાઇનલમાં તેની પાંચેય મેચ જીતી હતી. આ દરમિયાન કેનેડાએ ઉત્તમ પ્રદર્શન સાથે બર્મુડા, કેમેન આઇલેન્ડ અને બહામાસને એક પછી એક હરાવ્યા.
આ બીજી વખત હશે જ્યારે કેનેડિયન ટીમ ભારતમાં વર્લ્ડ કપ રમશે. અગાઉ, કેનેડાએ ૨૦૧૧ ના ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં કેનેડાનું પ્રદર્શન ખાસ નહોતું અને ટીમ તેની ૬ લીગ મેચોમાંથી ફક્ત ૧ મેચ જીતી શકી હતી. ૨૦ માંથી ૧૩ ટીમો ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ક્વોલિફાય થઈ છે. જેમાં ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ, યુએસએ, આયર્લેન્ડ અને કેનેડાનો સમાવેશ થાય છે.