Last Updated on by Sampurna Samachar
ઓનલાઈન ગેમિંગ દરમિયાન મારી દીકરી પાસે બની ઘટના
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમારે હાલ જ એક એવી ચોંકાવનારી ઘટનાનો ખુલાસો કર્યો જેના વિશે જાણીને તમે નવાઈ પામી જશો. તેમણે સાયબર ક્રાઇમના વધતા ખતરાને લઈને વાત કરી અને જણાવ્યું કે તેમની ૧૩ વર્ષની બાળકી સાથે કેવી રીતે રમત રમતમાં ગંદી હરકત થઈ હતી. પોતાની બાળકી સાથે જે ગંદી હરકત થઈ હતી તેને લઈને તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વાત કરી છે. જેથી આ મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.

મહારાષ્ટ્ર પોલીસ દ્વારા સાયબર અવેરનેસ મંથનો ખુલાસો કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં અક્ષય કુમાર પણ હાજર હતા જેમાં તેમણે પોતાના પરિવાર સાથે જે ઘટના બની તેને લઈને ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે સાયબર ક્રાઇમનો શિકાર કોઈ પણ થઈ શકે છે. તેમણે જણાવ્યું કે તેમની દીકરી નિતારા વીડિયો ગેમ રમતા સમયે સાયબર ક્રાઇમનો શિકાર બનતા બનતા બચી હતી.
આ અપરાધને રોકવો ઘણો જરૂરી તેમ કરી અપીલ
અક્ષય કુમારે આ મુદ્દે કહ્યું કે હું આપ સૌને એક નાનકડી ઘટના વિશે જણાવવા માગું છું. જે થોડાક મહિના પહેલા મારા ઘરે બની હતી. મારી દીકરી વીડિયો ગેમ રમી રહી હતી જે તમે પણ ઓનલાઈન કોઈના કોઈ સાથે રમે છે. આપણે અજાણ્યા લોકો સાથે ઓનલાઈન વીડિયો ગેમ રમતા હોઈએ છીએ.
જ્યારે તમે ગેમ રમો ત્યારે અજાણ્યા લોકો તમને મેસેજ કરતા હોય છે. અક્ષય કુમારે કહ્યું મારી દીકરી જ્યારે ગેમ રમી રહી હતી ત્યારે તેને મેસેજ આવ્યો કે તમે મેલ છો કે ફિમેલ તો તેણે ક્લિક કરીને ફિમેલ જવાબ આપ્યો હતો. બાદમાં તેણે એક મેસેજ મોકલ્યો કે શું તમે તમારી ન્યૂડ તસવીર મોકલી શકશો. આ મેસેજ જોઈને મારી દીકરીએ બધું બંધ કરી દીધું અને મારી પત્નીને જઈને તેણે આ વાત કરી હતી.
આ પ્રકારની વસ્તુઓ પણ સાયબર ક્રાઇમનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે અક્ષય કુમારે એવું પણ કહ્યું કે મારી દીકરી સાથે હરકત થઈ તેને લઈને તે સતર્ક તો થઈ ગઈ. પરંતુ આ મામલે મહારાષ્ટ્ર પોલીસ અને મુખ્યમંત્રીને તેમણે અપીલ કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં સાતમા, આઠમા, નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે દરેક સપ્તાહે એક સાયબર પીરિયડ નામનો એક લેક્ચર થવો જોઈએ. જ્યાં બાળકોને આ મુદ્દે સમજાવવામાં આવે. વધુમાં તેમણે કહ્યું કે આપ સૌ જાણો છો કે આ ગુનો રસ્તા પર થવા વાળા ગુના કરતા પણ મોટો છે જેથી હું અપીલ કરું છું કે આ અપરાધને રોકવો ઘણો જરૂરી છે.