Last Updated on by Sampurna Samachar
શારીરિક ક્ષમતા કસોટી આગામી ૨૧ જાન્યુઆરીથી શરૂ થશે
કડક બંદોબસ્ત અને આધુનિક ટેકનોલોજી દેખરેખ હેઠળ પરીક્ષા લેવાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં પોલીસ બનવા ઇચ્છતા હજારો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની સીધી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.

રાજ્યમાં આગામી ૨૧ જાન્યુઆરીથી શારીરિક પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.લાંબા સમયની પ્રતિક્ષા બાદ હવે ભરતી બોર્ડ દ્વારા પરીક્ષાનું સમયપત્રક સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ આ કેડર માટે અરજી કરી છે, તેઓની શારીરિક ક્ષમતા કસોટી આગામી ૨૧ જાન્યુઆરીથી શરૂ થશે.
શારીરિક કસોટી પાસ કર્યા બાદ આગામી લેખિત આપી શકાશે
રાજ્યના વિવિધ કેન્દ્રો પર કડક બંદોબસ્ત અને આધુનિક ટેકનોલોજીના દેખરેખ હેઠળ આ પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લાંબા સમયથી પ્રતીક્ષિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની શારીરિક કસોટીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં વર્ગ-૩ સંવર્ગની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ માટે યોજાનારી આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આગામી ૨૧મી જાન્યુઆરીથી શારીરિક કસોટી શરુ થઈ જશે.
ત્યારે GPRB/૨૦૨૫-૨૬/૧ અન્વયે PSI અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી માટે ઉમેદવારો પોતાનું કોલલેટર હવેથી ડાઉનલોડ કરી શકશે. ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પડેલી PSI અને LRD ની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ માટે લાખો ઉમેદવારોએ અરજી કરી છે. શારીરિક કસોટી એ આ ભરતી પ્રક્રિયાનો પ્રથમ અને અત્યંત મહત્ત્વનો તબક્કો છે. જે ઉમેદવારો દોડ અને અન્ય શારીરિક માપદંડોમાં પાસ થશે, તેઓ જ લેખિત પરીક્ષા માટે પાત્ર ગણાશે.
ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવારોએ સમયસર કોલલેટર ડાઉનલોડ કરી લેવા અને તેમાં દર્શાવેલા સ્થળ તેમજ સમય મુજબ હાજર રહેવું. ઉમેદવારોએ શારીરિક કસોટીના દિવસે કોલ લેટરની પ્રિન્ટ સાથે ઓરિજિનલ આઇડી પ્રૂફ (આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે) અને પાસપોર્ટ સાઇઝના ફોટા, જરૂરી ઓરિજિનલ ડૉક્યુમેન્ટ્સ સાથે રાખવા અનિવાર્ય છે. શિયાળાની મોસમ હોવાથી વહેલી સવારે દોડનું આયોજન કરવામાં આવશે, જેથી ઉમેદવારોએ સમયસર ગ્રાઉન્ડ પર પહોંચવું હિતાવહ છે.
પોલીસ ભરતી બોર્ડ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ શારીરિક કસોટી અત્યંત પારદર્શક રીતે અને ટૅક્નોલૉજીના ઉપયોગ સાથે લેવામાં આવશે. દોડ માટે RFID ચીપનો ઉપયોગ કરવામાં આવશે જેથી સમયની સચોટ નોંધણી થઈ શકે. મેદાનો પર સીસીટીવી કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર વેબસાઇટ પરની માહિતીને જ સાચી માનવા અપીલ કરવામાં આવી છે. શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો જ આગામી લેખિત પરીક્ષા માટે લાયક ઠરશે. ગુજરાત પોલીસ દળમાં જોડાવા માંગતા હજારો ઉમેદવારો માટે આ એક નિર્ણાયક તબક્કો છે. ભરતી બોર્ડ દ્વારા પારદર્શક રીતે પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પૂરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે.