Last Updated on by Sampurna Samachar
મુખ્યમંત્રીની નવી કેબિનેટમાં ૧૯ નવા ચહેરાનો સમાવેશ
૫ નવા કેબિનેટમંત્રી, રાજ્ય કક્ષાના ૩ મંત્રીને સ્વતંત્ર હવાલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં વર્ષ ૨૦૨૭ માં આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. પહેલા જૂના તમામ મંત્રીઓ પાસેથી પહેલા રાજીનામું લઈ લેવાયું હતું અને નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી સહિત ૨૬ નામોની યાદી જાહેર કરાઈ હતી.
મુખ્યમંત્રીની નવી કેબિનેટમાં ૧૯ નવા ચહેરાનો સમાવેશ કરાયો છે. જ્યારે ૬ મંત્રીઓને રિપીટ કરાયા છે. જ્યારે ૧૦ મંત્રીઓના પત્તા કાપી દેવાયા છે. મંત્રીમંડળના ૨૬ સભ્યોમાંથી ૨૧એ શપથ લીધા હતા. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ તેમને મંત્રીપદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
મંત્રીમંડળમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ
ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પરસોતમ સોલંકી અને કનુભાઈ દેસાઈએ શપથ લીધા નહોંતા. નવા મંત્રીમંડળમાં યુવાનોને અગ્રતા આપવાની ભારતીય જનતા પાર્ટીની નીતિ સ્પષ્ટ દેખાઈ આવી છે. સૌથી મહત્વની જાહેરાત તરીકે, મજૂરાના ધારાસભ્ય અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
સંઘવીએ સૌથી પહેલી શપથ લીધા હતા. તેમની નિમણૂક પક્ષમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને તેમના અગાઉના કાર્યકાળના પ્રદર્શનનું પરિણામ માનવામાં આવે છે. મંત્રીઓની પસંદગી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં ૮ ઓબીસી, ૪ પાટીદાર, ૪ એસટી અને ૩ એસસી નેતાઓને સ્થાન મળ્યું છે. આ મંત્રીમંડળમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ કરાયો છે.
નવા મંત્રીમંડળમાં કોનો-કોનો સમાવેશ કરાયો : નવા મંત્રીમંડળમાં ભૂપેન્દ્ર પટેલ સહિત જે ૨૬ મંત્રીઓનો સમાવેશ કરાયો છે, તેમાં હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. જ્યારે ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, રમણ સોલંકીને કેબિનેટ મંત્રી બનાવાયા છે.
ઈશ્વર પટેલ, પ્રફુલ પાનસેરીયા, મનિષા વકીલને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો અપાયો છે. કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, પ્રવીણ માલી, સ્વરૂપ ઠાકોર, જયરામ ગામીત, રિવાબા જાડેજા પીસી બરંડા, સંજય મહિડા, કમલેશ પટેલ, ત્રિકમ છાંગા અને કૌશિક વેકરિયાને રાજ્ય કક્ષાના મંત્રીઓનું પદ અપાયું છે.
કોનું પત્તું કપાયું : જૂના મંત્રીઓમાંથી બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા, મૂળી બેરા, કુબેર ડિંડોર, જગદીશ વિશ્વકર્મા, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, કુંવરજી હળપતિનું પત્તું કપાયું છે.
કોને રિપીટ કરાયા : જૂના મંત્રીઓમાંથી હર્ષ સંઘવી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનશેરિયા, પરસોત્તમ સોલંકીને રિપીટ કરાયા છે.
આ શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત ભાજપના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળના વિસ્તરણને લઈને અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લાંબા સમયથી અમરેલી જિલ્લાને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે કેમ તેની અટકળોનો અંત આવ્યો છે.
અમરેલી જિલ્લાના ધારાસભ્યો પૈકી કોઈ એકને મંત્રી પદ મળે તેવી પ્રબળ સંભાવના વચ્ચે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા અમરેલીમાં ભાજપના કાર્યકરો ખુશખુશાલ જોવા મળ્યા હતા. કૌશિક વેકરિયાના કાર્યાલય કર્તવ્યમ પર કાર્યકરોએ આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી.
મંત્રીમંડળમાં અનેક જૂના મંત્રીઓને ફરી તક છે, જેમને નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે , જેનાથી મંત્રીમંડળનું કદ વધ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાક ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી બનાવવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
સરકારના આ મોટા ફેરફારને આગામી મહત્ત્વપૂર્ણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં પક્ષના સંગઠન અને શાસનમાં નવી ઊર્જા અને નવા ચહેરાને તક આપવાની વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે. આ પગલું સત્તાવિરોધી લહેરને ઘટાડવા અને જ્ઞાતિ તથા પ્રાદેશિક સંતુલનને જાળવવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
નોંધનીય છે કે, આ શપથવિધિ સમારોહ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. તેમજ રાજ્યપાલ પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા મંજૂરી માંગી હતી.