Last Updated on by Sampurna Samachar
કૌભાંડી ભુપેન્દ્રસિહ ઝાલાએ કર્યો મોટો ખુલાસો જુઓ …
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા BZ ગ્રુપ કૌભાંડમાં CID ક્રાઈમે વધુ એક મહત્વની કામગીરી કરી છે. કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ હવે કૌભાંડનો હિસાબ રાખનાર નરેશને પણ ઝડપી લેવામાં આવ્યો છે. નરેશની ધરપકડ સાથે કૌભાંડમાં થયેલા હિસાબોના ગોટાળાનો વધુ ખુલાસો થવાની શક્યતા છે. CID હવે નરેશ પાસેથી કૌભાંડના પૈસા ક્યાં ખર્ચવામાં આવ્યા હતા તે અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.
BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફરી રિમાન્ડ માંગવામાં ના આવતા કોર્ટે જ્યુડીશિયલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાતમાં ૬૦૦૦ કરોડના કૌભાંડની CID ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ મામલે એક એજન્ટ સહિત BZ ના સ્ટાફ સાથે CID ક્રાઇમે ૭ આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય એજન્ટ મયુર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીરસિંહ ચૌહાણની ધરપકડ થઇ ચુકી છે.
ધરપકડ બાદ પૂછપરછમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કબૂલ્યું છે કે તે ટૂંક સમયમાં રાજનીતિમાં પ્રવેશ કરવા માંગતો હતો અને આ કૌભાંડને આટોપાઈને ૨૦૨૭ની વિધાસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો હતો. તેણે અનેક રાજનેતાઓ સાથેના સંબંધોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તે ભાજપના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવા માંગતો હતો અને આ માટે તેણે લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી હતી.
મ્ઢ ગ્રુપે ૧૧ હજાર લોકો પાસેથી રોકાણ લઈને ૬૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના સાગરીતોએ લોકોને વધુ વ્યાજ આપવાની લાલચ આપીને પૈસા ઉઘરાવ્યા હતા. CID ક્રાઈમે આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકો સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે. હાલમાં CID ઝાલા અને નરેશ પાસેથી વધુ માહિતી મેળવી રહી છે.