Last Updated on by Sampurna Samachar
થોડાં દિવસ પહેલાં તેનું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
જિમ સરભ અને નસીરુદ્દીન શાહ બંને OTT પર કેટલાંક મહત્વના પાત્રો ભજવી ચૂક્યા છે. OTT માં ફિલ્મ કરતાં ઘણી રસપ્રદ કથા અને કહાણીઓ લોકો સુધી પહોંચવી શક્ય બની છે. જિમ સરાભ તો OTT પર હોમી ભાભાનું પાત્ર પણ કરી ચૂક્યો છે. ત્યારે હવે OTT પર દેશની પહેલી સ્વદેશી અને લોકપ્રિય બ્રાન્ડ ટાઇટનની કથા જીવંત થવા જઈ રહી છે.
આ સ્ટોરીમાં જીમ સરાભ અને નસીરુદ્દીન શાહ મુખ્ય રોલમાં હશે. ૬ એપિસોડની સ્ટોરી દેશના જાણીતા ઉદ્યોગપતિ જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા અને ઝેરઝેસ દેસાઇની વાર્તા કહેવાશે, તેઓ ટાઇટનના પહેલા મેનેજિંગ ડિરેક્ટર હતા, જેની આ કંપનીની સ્થાપનામાં મહત્વનો ફાળો હતો.
૧૯૮૦ના દાયકા પર આધારિત આ સિરીઝમાં બે વ્યક્તિએ કેટલાં સંઘર્ષ વચ્ચે ક્રાંતિકારી કામ કર્યું હતું તે દર્શાવાશે. વિનય કામથની બેસ્ટ સેલર બૂક ‘ટાઇટન – ઇનસાઇડ ઇન્ડિયાઝ મોસ્ટ સક્સેસફુલ કન્ઝ્યુમર બ્રાન્ડ’ પરથી આ સિરીઝની પ્રેરણા લેવાઈ છે. તેમાં એક આમ જનતાની ઘડિયાળની કંપનીએ શરૂઆતમાં કઈ રીતે પડકારોનો સામનો કરવો પડ્યો અને સફળતા મળી દર્શાવાશે.
થોડાં દિવસ પહેલાં તેનું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું છે. આ સિરીઝ કરણ વ્યાસ દ્વારા લખવામાં આવી છે. રોબી ગ્રેવાલે આ સિરીઝ ડિરેક્ટ કરી છે. જિમ સરભ ઝેરઝેસ દેસાઇનો રોલ કરશે અને નસીરુદ્દીન શાહ જેઆરડી તાતાનો રોલ કરશે. આ શોમાં વૈભવ તતવાવડી, નમિતા દુબે, કાવેરી સેઠ અને લક્ષવીર સરન વિવિધ રોલમાં જોવા મળશે. આ સિરીઝની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.