Last Updated on by Sampurna Samachar
પરંપરાગત ડિઝાઇનની સાથે ઈન્ડો-વેસ્ટર્ન લુકવાળી ચણિયા-ચોળી છે પસંદ
સુરતની ચણિયાચોળીની દેશભરમાં માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ અને ગરબાનો તહેવાર નવરાત્રી હવે માત્ર રાજ્યની સીમાઓથી આગળ વધીને દેશભરમાં લોકપ્રિય બન્યો છે. આ તહેવારની ઉજવણી સાથે ગુજરાતી પરંપરાગત પોશાક ચણિયા-ચોળીની માંગ પણ દેશના અન્ય રાજ્યોમાં ઝડપથી વધી રહી છે. સુરતના બેગમપુરા વિસ્તારમાં આવેલા પશુપતિ ટેક્સટાઇલ માર્કેટ, તિરુપતિ માર્કેટ અને શંકર માર્કેટ નવરાત્રીની સિઝનમાં ચણિયા-ચોળીના હોલસેલ અને રિટેલ વેચાણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યા છે.

આ માર્કેટોમાં ગ્રાહકોની ભીડ અને ખરીદીનો ઉત્સાહ નવરાત્રીની નજીક આવતાં વધુ તીવ્ર બન્યો છે. સુરતના આ માર્કેટોમાંથી મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં ચણિયા-ચોળીના ઓર્ડર મળી રહ્યા છે. ગુજરાતની અંદર પણ રાજકોટ, વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં આ પોશાકનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે.
GST ની રાહતને કારણે મોટા વેચાણની આશા
વેપારીઓના જણાવ્યા અનુસાર, ગ્રાહકો પરંપરાગત ડિઝાઇનની સાથે ઈન્ડો-વેસ્ટર્ન લુકવાળી ચણિયા-ચોળી પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ડિઝાઇનની વિવિધતા અને ગુણવત્તાને કારણે બેગમપુરા માર્કેટમાં ખરીદી માટે ગ્રાહકોની ભીડ જોવા મળે છે. વેપારીઓ આશા રાખે છે કે આ નવરાત્રીમાં માત્ર સુરતમાંથી જ ૨૫૦ કરોડ રૂપિયાના ચણિયા-ચોળીનું વેચાણ થશે.
શંકર માર્કેટના સચિવ અને ફોસ્ટાના ડાયરેક્ટર જગદીશભાઈ કોઠારીએ જણાવ્યું કે, મોદી સરકારે ય્જી્માં આપેલી રાહત કાપડ વેપારીઓ માટે દિવાળી પહેલાં એક મોટી ભેટ સમાન છે. ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થનારો ૫% GST નો નિયમ કાપડના વેપારીઓ માટે એકસમાન રહેશે, જેનાથી વેપારમાં વધુ પારદર્શિતા અને ઉત્સાહ આવશે. આ રાહતને કારણે નવરાત્રીની સિઝનમાં ૨૫૦ કરોડ રૂપિયા સુધીનો વેપાર થવાની આશા છે. આ નવી નીતિ વેપારીઓને વધુ ખુલ્લામનથી વેપાર કરવાની તક આપશે.
જગદીશભાઈ કોઠારીએ સરકારને અપીલ કરી કે, ૨,૫૦૦ રૂપિયાથી ઉપરના ૧૮% GST ને બદલે ૫% નો દાયરો ૨,૫૦૦થી ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો કરવામાં આવે. તેમના જણાવ્યા અનુસાર, મધ્યમ વર્ગના ગ્રાહકો મોટાભાગે ૧૦,૦૦૦ રૂપિયા સુધીની ચણિયા-ચોળી ખરીદે છે. જો GST નો દાયરો વધારવામાં આવે તો ગ્રાહકોને રાહત મળશે અને વેપારીઓને પણ વધુ લાભ થશે. આ ફેરફાર નવરાત્રીના વેચાણને વધુ બળ આપશે અને મધ્યમ વર્ગના ગ્રાહકોની ખરીદીને પ્રોત્સાહન મળશે.
નવરાત્રીની આ ઉજવણીમાં સુરતના ટેક્સટાઇલ માર્કેટોનો મહત્વનો ફાળો છે. ચણિયા-ચોળીની વધતી માંગ અને GST ની રાહતને કારણે વેપારીઓ આગામી નવરાત્રીમાં મોટા વેચાણની આશા રાખે છે. બેગમપુરાના માર્કેટોમાં પરંપરાગત અને આધુનિક ડિઝાઇનનું સંગમ ગ્રાહકોને આકર્ષી રહ્યું છે, જે ગુજરાતી સંસ્કૃતિને દેશભરમાં ફેલાવવામાં મદદ કરે છે.