Last Updated on by Sampurna Samachar
ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનાર સંયુક્ત રીતે પ્રથમ ભારતીય બન્યો બુમરાહ
(સંપૂર્ણ સમાચાર સેવા)
એક તરફ ભારતીય ટીમ બોક્સિંગ ડે ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે અને મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાની છે તો બીજી તરફ જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો છે. ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામેની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સીરિઝની ત્રીજી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ૯ વિકેટ ઝડપી હતી. આ સાથે તે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનાર સંયુક્ત રીતે પ્રથમ ભારતીય બની ગયો છે.
ગાબા ટેસ્ટમાં ૯૪ રનમાં ૯ વિકેટ લઈને તેણે તેના રેટિંગ પોઈન્ટ્સમાં ૧૪ પોઈન્ટનો ઉમેરો કર્યો અને હવે તેના ૯૦૪ રેટિંગ પોઈન્ટ્સ છે. અગાઉ તાજેતરમાં નિવૃત્ત થયેલા રવિચંદ્રન અશ્વિને ડિસેમ્બર ૨૦૧૬માં ઈંગ્લેન્ડ સામે મુંબઈમાં રમાયેલી ચોથી ટેસ્ટ બાદ આટલા જ પોઈન્ટ હાંસલ કર્યા હતા. બુમરાહે સીરિઝમાં અત્યાર સુધી ૨૧ વિકેટ લીધી છે, જેના કારણે તેને બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને ૪૮ રેટિંગ પોઈન્ટ્સ વધારવામાં પહોંચાડવામાં મદદ મળી છે. કગિસો રબાડા (૮૫૬) અને જોશ હેઝલવુડ (૮૫૨) બીજા અને ત્રીજા સ્થાને છે.
મોહમ્મદ સિરાજ આ યાદીમાં એક સ્થાન આગળ વધીને ૨૪માં સ્થાને પહોંચી ગયો છે અને બોલરોની યાદીમાં ટ્રેવિસ હેડ ટોપ ૧૦૦માં સામેલ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સ ૮૨૨ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે અને નિવૃત્ત ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ૭૮૯ પોઈન્ટ સાથે ૫મા સ્થાને છે. રવિન્દ્ર જાડેજાને ૪ સ્થાનનું નુકસાન થયું છે અને તે હવે ૧૦માં નંબર પર છે. મિશેલ સ્ટાર્ક ૧૧મા ક્રમે છે જ્યારે નાથન લિયોન ૭મા નંબર પર છે. મેટ હેનરી છઠ્ઠા, શ્રીલંકાના પ્રભાત જયસૂર્યા ૮મા અને પાકિસ્તાનના નોવાન અલી ૯મા ક્રમે છે.
નોંધનીય છે કે ઇગ્લેન્ડના સિડની બર્ન્સના નામે વર્લ્ડ રેકોર્ડ છે. ૧૯૧૪માં તેણે ૯૩૨ પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડના જ્યોર્જ લોહમેન ૯૩૧ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ટેસ્ટ ઈતિહાસની આ વિશેષ યાદીમાં પાકિસ્તાનનો વિશ્વવિજેતા કેપ્ટન ઈમરાન ખાન ૯૨૨ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરન ૯૨૦ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રા ૯૧૪ પોઈન્ટ સાથે ૫મા સ્થાને છે.