Last Updated on by Sampurna Samachar
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ કરી જાહેરાત
જાપાનમાં ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન મોદીએ કરી વાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં બુલેટ ટ્રેન નેટવર્કનું વિસ્તરણ ઝડપી બન્યું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરી છે કે દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સરવેનો આદેશ અપાયો છે. આ નેટવર્ક હૈદરાબાદ, ચેન્નઈ, અમરાવતી અને બેંગલુરુ જેવા ચાર મોટા શહેરોને જોડશે.

આ અંગે ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, ખૂબ જ જલ્દી દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેન આવશે. આ માટે સરવેનો આદેશ આપી દેવાયો છે. હૈદરાબાદ, ચેન્નઈ, અમરાવતી અને બેંગલુરુ. આ ચાર શહેરોની વસ્તી પાંચ કરોડથી વધુ છે અને આ વિશ્વનું સૌથી મોટું બજાર છે.
દેશભરમાં ૭,૦૦૦ કિલોમીટરનું હાઇ-સ્પીડ રેલ નેટવર્ક
આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનની રાજધાની ટોક્યોથી સેંદાલી સુધી બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી. તેમની સાથે જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા પણ હાજર હતા.
ટોક્યોના જાપાની દૈનિકને આપેલા ઇન્ટરવ્યૂમાં PM મોદીએ કહ્યું કે, ભારતે દેશભરમાં ૭,૦૦૦ કિલોમીટર લાંબું હાઇ-સ્પીડ રેલ નેટવર્ક વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પ્રગતિમાં છે. અમે તેનાથી પણ મોટું સ્વપ્ન જોયું છે. દેશભરમાં ૭,૦૦૦ કિલોમીટરનું હાઇ-સ્પીડ રેલ નેટવર્ક બનાવવાનું છે. અમારું લક્ષ્ય આગામી થોડા વર્ષોમાં મુંબઈ-અમદાવાદ કોરિડોર પર મુસાફરી સેવાઓ શરૂ કરવાનું છે.
રાષ્ટ્રીય રેલ યોજનામાં પહેલાથી જ ઘણા સંભવિત હાઇ-સ્પીડ રેલ કોરિડોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં દિલ્હી-વારાણસી, દિલ્હી-અમદાવાદ, મુંબઈ-નાગપુર, મુંબઈ-હૈદરાબાદ, ચેન્નઈ-મૈસૂર, દિલ્હી-અમૃતસર અને વારાણસી-હાવડા જેવા રૂટનો સમાવેશ થાય છે.