Last Updated on by Sampurna Samachar
તેલંગાણા હાઈકોર્ટે ૩૦ લાખનો દંડ પણ ફટકાર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) ના નેતાની જર્મન નાગરિકતાને લઈને ચાલી રહેલો વિવાદ સમાપ્ત થયો છે. તેલંગાણા હાઈકોર્ટે ચેન્નમનેની રમેશને જર્મન નાગરિક જાહેર કરીને તેમની ભારતીય નાગરિકતા રદ કરી દીધી છે. ૩૦ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. હાઈકોર્ટનો આ ચુકાદો કોંગ્રેસ નેતા આદિ શ્રીનિવાસની ફરિયાદ પર આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે રમેશ જર્મન દૂતાવાસ પાસેથી પ્રમાણપત્ર મેળવી શક્યો ન હતો કે તે જર્મન નાગરિક નથી.
હાઈકોર્ટે કહ્યું કે રમેશે પોતાની જર્મન નાગરિકતા છુપાવી હતી અને ચૂંટણી પંચને ખોટા દસ્તાવેજો જમા કરાવીને વિધાનસભાની ચૂંટણી લડી હતી. જેથી તેની ભારતીય નાગરિકતા રદ કરવામાં આવે છે અને તેને ૩૦ લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. તેમાંથી ૨૫ લાખ રૂપિયા કોંગ્રેસ નેતા આદિ શ્રીનિવાસને આપવા પડશે. ઉપરાંત શ્રીનિવાસે હાઈકોર્ટના ર્નિણયને આવકાર્યો હતો અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને રમેશ વિરુદ્ધ આકરી ટિપ્પણી કરી હતી.
રમેશ ચેન્નમનેની આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના વેમુલાવાડા મત વિસ્તારમાંથી ૪ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ૨૦૦૯માં તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના સભ્ય હતા અને પક્ષની ટિકિટ પર ૨૦૦૯ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. ૨૦૧૦, ૨૦૧૪ અને ૨૦૧૮માં તેમણે બીઆરએસ નેતા તરીકે ચૂંટણી જીતી હતી. તેમણે એક પેટાચૂંટણી પણ જીતી હતી જેમાં તેઓ પોતાનો પક્ષ બદલીને જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. રમેશની નાગરિકતાને લઈને વિવાદ નવો નથી. વર્ષ ૨૦૧૩માં તેમની નાગરિકતાને લઈને વિવાદ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો.
હાઈકોર્ટે તેમની ચૂંટણીને રદ કરી દીધી હતી. રમેશે આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ પછી, તેમણે ૨૦૧૪ અને ૨૦૧૮ ની વિધાનસભા ચૂંટણી લડી અને જીતી ગયા, પરંતુ વર્ષ ૨૦૨૩ માં પણ, જ્યારે તેમણે વિધાનસભાની ચૂંટણી જીતી ત્યારે હારેલા કોંગ્રેસ નેતા આદિ શ્રીનિવાસે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન જ રમેશની જર્મન નાગરિકતાનો ખુલાસો થયો હતો અને હાઈકોર્ટે લગભગ દોઢ – બે વર્ષ પછી આ વિવાદ પર મહત્ત્વપૂર્ણ ર્નિણય આપ્યો હતો.