Last Updated on by Sampurna Samachar
જેસલમેર જિલ્લામાં એક શખ્સની હત્યાથી હાહાકાર
પોલીસે હત્યારા દિયર – ભાભીની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત-પાક સરહદથી અડીને આવેલા જેસલમેર જિલ્લામાં એક શખ્સની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. જેસલમેરમાં દિયર અને ભાભીના પ્રેમ વચ્ચે ભાઇ આવતા તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જ્યાં ભાભીએ પ્રેમી દિયર સાથે મળીને પોતાના પતિને ર્નિદયતાપૂર્વક મારી નાખ્યો. આ બંનેની એક વર્ષથી લવ સ્ટોરી ચાલી રહી હતી. આ પ્રેમી કપલ એક સાથે ખેતીકામ કરતા હતા. મહિલાએ અહીં પોતાના પતિને બોલાવ્યો અને પ્રેમી સાથે મળીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

મળતી માહિતી અનુસાર જેસલમેર જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘટના વિશે જેણે પણ સાંભળ્યું તે ચોંકી ગયા. કોઈએ પણ વિચાર્યું નહોતું કે ૧૨ વર્ષ પહેલાં અગ્નિની સાક્ષીએ સાત ફેરા લઈને જિંદગીભર સાથે નિભાવવાનું વચન આપનારી પત્ની જશોદા પારકા પુરુષ માટે થઈને પતિ હરદાનરામ સાથે આવું પણ કરી શકે. પોલીસે જશોદા અને તેના પ્રેમી દિયર કલારામ બંનેની ધરપકડ કરી લીધી છે. તેમની સાથે પૂછપરછ કરી રહી છે.
એક વર્ષથી ચાલી રહી હતી આ લવ સ્ટોરી
પોલીસના જણાવ્યા અનુસાર, હચમચાવી નાખતી આ ઘટના જેસલમેરના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાંપલા ગામ નજીક થઈ હતી. ત્યાં એક કૂવા પર કલારામ અને જશોદા કામ કરતા હતા. જશોદાના પતિનું નામ હરદાનરામ છે.
કલારામ હરદાનરામનો નાનો પિતરાઈ ભાઈ છે. એક સાથે કામ કરતી વખતે જશોદા અને કલારામ વચ્ચે પ્રેમ પ્રસંગ થઈ ગયો હતો. બંને વચ્ચે લગભગ એક વર્ષથી આ લવ સ્ટોરી ચાલી રહી હતી. પણ બંનેને હરદાનરામ આંખમાં કણાની જેમ ખટકતો હતો. તેથી તેમણે હરદાનરામને રસ્તામાંથી હટાવવાનો ર્નિણય લીધો.
બંનેએ હરદાનરામને કૂવા પર બોલાવ્યો. બાદમાં ત્યાં બંનેએ મળીને હરદાનરામ પર ધારદાર હથિયારથી હુમલો કરી હત્યા કરી બાદમાં ફરાર થઈ ગયા. પોલીસે આ ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળ પર પહોંચી. તેણે લાશને કબજામાં લઈ લીધી અને જેસલમેરના શ્રીજવાહિર હોસ્પિટલના મોર્ચરીમાં રખાવી દીધી. પરિવારને સૂચના આપી. બાદમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી.
હત્યાની ઘટના દરમિયાન કલારામને ગંભીર ઈજા થઈ હતી. પોલીસની દેખરેખમાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હરદાનરામ ચૌધરીના આ બીજા લગ્ન હતા. પહેલી પત્નીનું મોત થઈ ગયું હતું. તેમને એક દીકરો છે. હરદાનરામના બીજા લગ્ન ૧૨ વર્ષ પહેલાં જશોદા સાથે થયા હતા. તેનાથી તેમને એક દીકરી અને બે દીકરા છે. પોલીસ હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.