Last Updated on by Sampurna Samachar
સાળાને બે ગોળીઓ વાગતાં હોસ્પિટલ ખસેડાયો
બોડકદેવ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના થલતેજ વિસ્તારમાં બનેવીએ સાળા પર ફાયરિંગ કર્યું હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થલતેજમાં રહેતી એક યુવતીએ પોતાના ભાઈને જાણ કરી કે તેનો પતિ મારઝૂડ કરે છે. જે બાદ બહેનને લેવા માટે ગયેલા ભાઈ પર તેના બનેવીએ મારામારી કરી રિવોલ્વરથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. જેમાં યુવતીનો ભાઈ એટલે કે ફાયરિંગ કરનારના સાળાને બે ગોળીઓ વાગી છે, જે બાબતે બોડકદેવ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો, અમદાવાદના થલતેજમાં એક ઠક્કર દંપતી રહે છે, જેમાં પતિ મૌલિક ઠક્કર તેની પત્ની સાથે વારંવાર મારઝૂડ કરતો હોવાથી આ પત્નીએ કંટાળીને આખરે તેના ભાઈ સુધીર ઠક્કરને આ સમગ્ર વાતની જાણ કરી હતી. જેથી ભાઈ સુધીર ઠક્કર તરત જ તેની બહેનને લેવા માટે થલતેજ બનેવીના ઘરે પહોંચ્યો હતો. શરુઆતમાં આ સાળા-બનેવી વચ્ચે વાતચિત શરુ થઈ, જેને આગળ જતા ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘટના હિંસક બની હતી.
ફાયરિંગ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા
ફરિયાદ અનુસાર, બનેવી મૌલિક ઠક્કરે તેના સાળા સુધીર ટક્કર સાથે મારામારી શરૂ કરી હતી અને બાબતમાં રિવોલ્વર કાઢી ત્રણ રાઉન્ડ ઘડાઘડ ફાયરિંગ કરી દીધું હતું, જે ફાયરિંગની ઘટનામાં એક ગોળી સુધીરની ગાડીના કાચ પર અથડાતા કાચ ફૂટી ગયો હતો. જ્યારે બે ગોળી સીધી સાળા સુધીરને વાગી જતા તેને ગંભીર ઈજાઓ થઈ છે. ફાયરિંગનો અવાજ સંભળાતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સુધીરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.