Last Updated on by Sampurna Samachar
મૃતક પરિણીતા પિતાએ સાસરિયા સામે નોંધાવી FIR
ત્રણ માસના ગર્ભ સાથે મહિલાનો ગળાફાંસો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં એક પરણિત મહિલાએ લગ્નના ૭ મહિનામાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ પરિણીત મહિલા ત્રણ મહિનાથી ગર્ભવતી હતી. ગર્ભમાં બાળક હોવા છતા મહિલાએ કેમ આવું પગલું ભર્યુ તે ગંભીર બાબત છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અશોકભાઈને સંતાનમાં ચાર દીકરીઓ છે. જેમાંથી ત્રીજા નંબરની દીકરી મોનિકાના લગ્ન હજી છ મહિના પહેલા જ દિલીપ શ્રીવાસ્તવ સાથે થયા હતા. લગ્ન બાદ મોનિકા સાસરિયામાં રહેતી હતી.
ત્રાસથી કંટાળીને મોનિકાએ આત્મહત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ
ઘટનાની મળતી માહિતી મુજબ અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતી મોનિકાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. દીકરીના મોતની ખબર સાંભળીને પિયરવાળાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તો બીજી તરફ, જાણવા મળ્યું કે મોનિકાને ત્રણ મહિનાનો ગર્ભ હતો. પેટમાં ત્રણ મહિનાનું બાળક હોવા છતાં મોનિકાએ આવું પગલુ કેમ ભર્યું તે પરિવારજનો માટે શોકિંગ બાબત હતી. ત્યારે મોનિકાના પિતાએ તેના સાસરિયા સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
મૃતકના પિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, લગ્ન થયાના થોડા દિવસમાં જ મોનિકાના સાસરી પક્ષના લોકો તેને દહેજ માટે ત્રાસ આપતા હતા. સાસરીવાળા તેને શારીરિક તેમજ માનસિક રીતે ત્રસ્ત કરી દેતા હતા. મોનિકાના પિતાએ પોલીસ સ્ટેશનમાં મોનિકાના પતિ દિલીપ શ્રીવાસ (નાઈ), સાસુ કિરણબેન તેમજ નણદોઈ રવિના ત્રાસથી કંટાળીને મોનિકાએ આત્મહત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પિતા અશોકભાઈએ કહ્યું કે, મેં ગમે તેમ રૂપિયા ભેગા કરીને દીકરીના લગ્ન કરાવ્યા હતા. પરંતું છતા તેના સાસરીવાળા મારી દીકરીને ત્રાસ આપતા હતા. મારી દીકરીના પેટમાં ત્રણ મહિનાનું બાળક હતું છતાં પણ તેને આત્મહત્યા કરી દીધી છે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.