Last Updated on by Sampurna Samachar
5 હજારની લાંચ લેતા વર્ગ-૨નો અધિકારી ઝડપાયો
મિલકતો અને અન્ય દસ્તાવેજોની તપાસ કરાય તેવી શક્યતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા રાજ્યમાં લાંચિયા અધિકારીઓ સામે ઝુંબેશ તેજ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં વધુ એક લાંચિયો અધિકારી ACB ની જાળમાં ફસાયો છે. રાજકોટ સેન્ટ્રલ GST કચેરીના વર્ગ-૨ ના અધિકારી ધર્મેન્દ્ર યાદવને ૫,૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે. ફરિયાદીની કંપનીના એક પ્રોજેક્ટનો ફાઈનલ રિપોર્ટ તૈયાર કરવાનો હતો.

આ સરકારી કામગીરી પૂર્ણ કરવાના બદલામાં CGST અધિકારી ધર્મેન્દ્ર યાદવે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી ACB નો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACB ની ટીમે રાજકોટમાં છટકું ગોઠવ્યું હતું. જેવું અધિકારી ધર્મેન્દ્ર યાદવે ફરિયાદી પાસેથી રૂ. ૫,૦૦૦ ની રકમ સ્વીકારી, કે તરત જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એસીબીએ ત્રાટકીને તેમને રંગે હાથે ઝડપી લીધા હતા.
અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
આ કાર્યવાહીથી રાજકોટના સરકારી વિભાગોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ACB એ લાંચની રકમ રિકવર કરી અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં અધિકારીની અટકાયત કરી તેમની મિલકતો અને અન્ય દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે