અમેરિકાની કોર્ટે ઈઝરાયલના NSO ગ્રૂપને સજા ફટકારી
કોંગ્રેસે મોદી સરકારને ઘેરી પ્રશ્નો પૂછ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પેગાસસ સ્પાઈવેર મામલે ફરી એકવાર કોંગ્રેસે મોદી સરકારને ઘેરી લીધી છે. કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ મોદી સરકારને અનેક પ્રશ્નો કરતાં જવાબો માંગ્યા છે. હાલમાં જ અમેરિકાની એક કોર્ટે ઈઝરાયલના એક NSO ગ્રૂપને દોષિત ઠેરવતાં ભારતમાં ફરી આ મામલો વકર્યો છે.
ઈઝરાયલના NSO દ્વારા ડિવાઈસમાં પેગાસસ સ્પાઈવેર દાખલ કરી ૧૪૦૦ લોકોની માહિતી હેક કરવાનો આરોપ હતો. આ ૧૪૦૦ વોટ્સએપ યુઝર્સમાં ૩૦૦ ભારતીયો સામેલ હતાં. પીડિતોમાં ભારતમાંથી પત્રકારો, રાજકારણીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને સરકારી અધિકારીઓ સામેલ છે. NSO ગ્રૂપે વારંવાર કબૂલ્યું હતું કે, આ ડીલ માત્ર સરકાર અને સરકારી એજન્સીઓ સાથે થઈ હતી. જોકે, ભારત સરકાર આ આરોપોને સતત ફગાવી રહી છે. હવે અમેરિકાની કોર્ટે NSO ગ્રૂપને દોષિત ઠેરવતાં વિપક્ષ દ્વારા ફરી પાછા આકરા પ્રહારો સાથે સત્ય બહાર લાવવા માંગ ઉઠી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં સુરજેવાલાએ મોદી સરકારને પ્રશ્નો પૂછ્યા છે કે, પેગાસસ સ્પાયવેર મામલે આ ચુકાદો સાબિત કરે છે કે, ગેરકાયદે સ્પાયવેર રેકેટેમાં ભારતીયોના ૩૦૦ વોટ્સએપ નંબર્સને હેક કેવી રીતે બનાવવામાં આવ્યા. જે ૩૦૦ લોકો ભોગ બન્યા છે, તે કોણ છે, બે કેન્દ્રીય મંત્રી કોણ છે? ત્રણ વિપક્ષના નેતા, બંધારણના અધિકારી અને પત્રકાર કોણ છે, બિઝનેસમેન કોણ છે?
સૂરજેવાલાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ સરકાર અને એજન્સીઓએ આ હેકિંગથી કેવી જાણકારી મેળવી છે. તેનો શું ઉપયોગ કરી રહ્યા છે, તેના બદલ વર્તમાન સરકારમાં રાજકીય-કાર્યકારી અને અધિકારીઓ તેમજ એનએસઓની માલિકીની કંપની વિરૂદ્ધ ફરિયાદ નોંધાશે કે કેમ?
સૂરજેવાલાએ સવાલો કર્યા છે કે, સુપ્રીમ કોર્ટ મેટા બનામ NSO કેસમાં અમેરિકી કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને ધ્યાનમાં લેશે કે નહીં? શું સુપ્રીમ કોર્ટ ૨૦૨૧-૨૨માં પેગાસસ સ્પાયવેર પર ટેક્નિકલ એનાલિસ્ટની કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને જાહેર કરશે. શું સુપ્રીમ કોર્ટ મેટા પાસે લિંક થયેલા ૩૦૦ નંબરના નામ માગશે?
વોટ્સએપે ૨૦૧૯માં NSO વિરૂદ્ધ કેસ કરી મનાઈ હુકમ જાહેર કરી દંડ ચૂકવવાની માગ કરી હતી. એનએસઓ પર છ મહિના અગાઉ ભોગ બનનારા લોકોની ડિવાઈસમાં પેગાસસ સ્પાયવેર ઈન્સ્ટોલ કરવા વોટ્સએપ સર્વરનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મૂકાયો હતો. જેમાં તે અંદાજે ૧૪૦૦ લોકો પર નજર રાખી રહી હતી. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ અમેરિકાની કોર્ટે વોટ્સએપની તરફેણમાં ચુકાદો આપતાં ઈઝરાયલના NSO ગ્રૂપને સજા ફટકારી છે.