જૈન સાધ્વીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે વડોદરામાં ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાના લાકોદરા ગામ પાસે અજાણ્યા વાહને ૩ જૈન સાધ્વીને ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ૫ જૈન સાધ્વી વિહાર કરી રહ્યાં હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતા વાહને ૩ સાધ્વીને ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્રણેય જૈન સાધ્વીઓને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ આ અગાઉ ભાવનગરમાં પણ ખાનગી બસ ડમ્પર પાછળ ઘુસી જતા ૬ લોકોના મોત થયા હતા. એપલ ટ્રાવેલ્સની બસ સુરતથી રાજુલા જઈ રહી હતી તે સમયે આ ઘટના બની હતી. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો ત્રાપજ બાય પાસ પર બસ ડમ્પર પાછળ ઘુસી જતા ઘટના સ્થળે જ ૩ બાળકો અને ૧ મહિલા સહિત ૬ના મોત થયા હતા. જ્યારે ૧૯ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જાતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.