ઉત્તરાયણ સુધી ઠંડીનો મારો યથાવત રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી NCR સહિત દેશના કેટલાક રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી બે દિવસ માટે કોલ્ડવેવની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં કાતિલ ઠંડી પડી રહી છે. બરફવર્ષાના કારણે પહાડો પરથી વહેતા ઝરણાં થીજી ગયા છે. ઠંડીનો પારો માઈન્સ ડિગ્રીમાં પહોંચ્યો છે. પહાડોમાં સતત હિમવર્ષાના કારણે દિલ્હી-NCR માં કાતિલ ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. તેથી ઠંડીના કારણે લોકો માટે હવે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. શીત લહેર અને આકાશમાંથી પડી રહેલા ઝાકળની સાથે, ગાઢ ધુમ્મસ પણ સતત વધી રહ્યું છે, જેના કારણે દિલ્હી હવામાન કેન્દ્રએ લોકોને મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની ચેતવણી આપી હતી.
તમને જણાવી દઈએ કે સમગ્ર દિલ્હી NCR માં કોલ્ડવેવનો પ્રકોપ છે. ત્યારે ઉત્તર ભારતમાં ઠંડીના ચમકારા વચ્ચે રાજધાની દિલ્હી સહિતના અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. વિઝિબિલિટી શુન્ય હોવાથી ટ્રેન અને હવાઈ સેવાને અસર થઈ છે. વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાતા હેડલાઈટ ચાલુ કરીને વાહનો ચલાવવા પડે છે. દિલ્હીમાં ધુમ્મસના કારણે ફ્લાઈટને અસર થઈ છે. આખા જાન્યુઆરી મહિના દરમિયાન ખાસ કરીને ઉત્તરાયણ સુધી ઠંડીનો મારો યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે.
દિલ્હી હવામાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે દિલ્હીનું મહત્તમ તાપમાન ૧૮ ડિગ્રી સેલ્સિયસ રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે. નોઈડામાં મહત્તમ તાપમાન ૧૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. ગાઝિયાબાદનું મહત્તમ તાપમાન ૨૨ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી સેલ્સિયસ રહેશે. ગુરુગ્રામનું મહત્તમ તાપમાન ૧૯ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી સેલ્સિયસ રહેશે.