આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા સાત દિવસના રિમાન્ડ મંજુર થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠામાં રહેતા શખસે લોન ન ભરી શકતા રિકવરી માટે આવેલા લોકો દીકરીનું અપહરણ કરી અને વેચી કાઢી હતી. આ નાની દીકરીને ત્રણ લાખ રૂપિયામાં રાજસ્થાનનાં એક ગામના રહેવાસીને આપી દેવાઈ હતી. લોન શાર્ક્સનો આવો ર્નિદયતાપૂર્ણ ઘટનાક્રમ સામે આવતા ચકચાર મચી ગઈ છે. બાદમાં હિંમતનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ કરાઈ હતી. જેથી પોલીસે પણ તપાસ આદરી અને આરોપીઓની સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
આ ઘટનાની જાણ ૧૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ હિમતનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પોલીસે અરવલ્લી જિલ્લાના મોડાસાના અર્જુન નાટ અને શરીફા નાટ તથા મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના દેવગામ ગામના લખપતિ નાટ સામે ગુનો નોંધ્યો હતો. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એ બી શાહે જણાવ્યું હતું કે FIR દાખલ કર્યાના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
શાહ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ, અર્જુન નાટે દીકરીના પિતા, જે રોજી મજૂરી કરતા હતા, તેમને નિર્ધારિત વ્યાજ દરે ૬૦,૦૦૦ રૂપિયા ઉછીના આપ્યા હતા. “વ્યાજની નિયમિત ચુકવણી કરવા છતાં, અર્જુન અને શરીફાએ તેની પાસેથી રૂ. ૩ લાખથી રૂ. ૪ લાખ સુધીની રકમની માંગણી કરી હતી. જ્યારે માંગ પૂરી ન થઈ, ત્યારે આરોપીઓએ તેના ઘરે તેના પર હુમલો કર્યો અને તેને કોરા કાગળો પર સહી કરવા દબાણ કર્યું હતું.” ત્યારપછી ત્રણેયએ તેની સાત વર્ષની પુત્રીનું અપહરણ કરીને તેને રાજસ્થાનના અજમેર નજીકના એક ગામમાં ૩ લાખ રૂપિયામાં વેચી દીધી હતી.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિતાના પરિવારે પોલીસ પાસે જવાને બદલે બે દિવસ પહેલા કોર્ટમાં ફરિયાદ કરી. કોર્ટના આદેશ પર કાર્યવાહી કરીને, પોલીસે ૧૯ ડિસેમ્બરે કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી હતી. છોકરીને અજમેર નજીકના ગામમાં લઈ જવાઈ હોવાનું બહાર આવ્યું હતુ. તપાસ અધિકારી એસ બી ચૌધરીએ જણાવ્યું હતું કે, આરોપીઓ સાથે દીકરીને ક્યાં આપી દેવાઈ હતી, કોને અને પૈસા ક્યાંથી મેળવ્યા હતા તે જાણવા માટે પૂછપરછ કરવામાં આવી હતી. પૈસા વસૂલવાના પ્રયાસો કરવામાં આવશે. ચૌધરીએ વધુમાં કહ્યું કે અમે કોરા કાગળો વિશે પણ જાણવા માંગીએ છીએ કે જેના પર બળજબરીથી સહીઓ લેવામાં આવી હતી અને શું તેનો ઉપયોગ કોઈ આવા જ હેતુ માટે કરવામાં આવ્યો હતો કે નહીં.”
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરીપૂછપરછમાં જાણવા મળ્યું કે યુવતીના પિતા કડિયાકામ કરે છે. પકડાયેલા આરોપીઓ પણ મજૂરી અને ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે. પોલીસને પરિવારના અન્ય સભ્યોની સંડોવણીની શંકા છે અને ગુનામાં તેમની ભૂમિકાની તપાસ કરી રહી છે. આરોપીઓ પર IPC એક્ટ અને ગુજરાત મનીલેન્ડર્સ એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.