પોલીસે આરોપી કારચાલકની ધરપકડ કરી કાર કબજે લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કારગીલ ચાર રસ્તા પાસેથી એક યુવક પિતા સાથે કારમાં પસાર થઇ રહ્યો હતો. ત્યારે ટર્ન લેતી વખતે પાછળથી આવેલી સ્કોર્પિયોના ચાલકે ટક્કર મારતા મામલો ગરમાયો હતો. કારચાલકે ઉતરીને વીડિયો ઉતાર્યો હતો અને તેના પિતા સ્કોર્પિયો આગળ ઊભા રહી ગયા હતા. ત્યારે ઉશ્કેરાયેલા સ્કોર્પિયોના ચાલકે હત્યાની કોશિશ કરવાના ઇરાદે વૃદ્ધ પર ગાડી ચઢાવી દેતા તે ઇજાગ્રસ્ત થયા હતા. સોલા પોલીસને જાણ થતાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના સમયમાં આરોપીને બોપલમાંથી ઝડપી પાડ્યો હતો.
સોલાના સર્વોદયનગરમાં રહેતા ધ્વનનભાઇ આચાર્ય ગાંધીનગરની ખાનગી IT કંપનીમાં સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરે છે. ધ્વનનભાઇ વૃદ્ધ પિતા આશિતભાઇ સાથે ગાડી લઇને ગાંધીનગર જતા હતા. ત્યારે કારગીલ ચાર રસ્તા પાસે ટર્ન લેતી વખતે સ્પીડમાં આવતી સ્કોર્પિયો કારના ચાલકે ટક્કર મારી હતી. ધ્વનનભાઇ સ્કોર્પિયો કારચાલક સાથે વાત કરવા ગાડીમાંથી ઉતર્યા હતા. તેમના પિતા પણ સ્કોર્પિયો ગાડીની આગળ ઊભા રહી ગયા હતા.
ધ્વનનભાઇ વીડિયો ઉતારતા હતા ત્યારે ઉશ્કેરાયેલા સ્કોર્પિયો કારના ચાલકે મારી નાખવાના ઇરાદે આશિતભાઇ પર ગાડી ચઢાવી દેતા તેઓ રોડ પર પટકાયા હતા. આશિતભાઇને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડ્યા હતા. સોલા પોલીસને જાણ કરાતા પોલીસે આ મામલે હત્યાની કોશિષનો ગુનો નોંધી ધ્વનનભાઇ પાસેના વીડિયો અને CCTV આધારે આરોપી કારચાલક સુનિલ ઓમપ્રકાશ દધિચની ધરપકડ કરી કાર કબજે લઇ તપાસ હાથ ધરી છે.