લગભગ અડધો કલાક સુધી મંદિર પર રહ્યું ડ્રોન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓડીશાના પુરીમાં સ્થિત પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની ઉપર ડ્રોન જોવા મળ્યા બાદ હડકંપ મચી ગયો હતો. વહેલી સવારે ૪: ૧૦ વાગ્યે મંદિર ઉપર ડ્રોન જોવા મળ્યું હતું, જે લગભગ અડધો કલાક સુધી મંદિર પર રહ્યું હતું. જેનાથી મંદિરની સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઊભા થયા છે.
નોંધનીય છે કે, જગન્નાથ મંદિર અને તેની આસપાસનો વિસ્તાર નો-ફ્લાઇંગ ઝોન છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટનાની તપાસ માટે અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રવિવારે મંગળા આરતી અનુસ્ઠાન દરમિયાન શ્રીમંદિરની ઉપરથી ડ્રોન જોવા મળ્યું હતું. ડ્રોન શ્રીમંદિરના નીલચક્ર અને ધાદિનૌતીની ઉપર જોવા મળ્યું હતું.
ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદનની ઘટના પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું, ‘મંદિરની ઉપર ડ્રોન ઉડાડવા ગેરકાયદેસર છે, આ બિલકુલ સ્વીકાર્ય નથી. સુરક્ષા ભંગ કરનાર વ્યક્તિની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પુરી SCA ટીમનું ગઠન કરી ઘટનાની તપાસ કરવાનું શરૂ કરી દીધું છે. આશા છે કે, સંબંધિત વ્યક્તિની જલ્દી ઓળખ કરી ડ્રોન જબ્ત કરવામાં આવશે.’
વધુમા હરિચંદને જણાવ્યું કે, આ સિવાય ભવિષ્યમાં આવી ઘટના ન બને, તેના માટે સરકાર મંદિર પરિસરમાં ચારેબાજુ સ્થિત વૉચ ટાવર્સ પર ચોવીસ કલાક પોલીસ કર્મી તૈનાત કરવા પર વિચાર કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, કોઈ વ્લૉગરે આ ડ્રોન ઉડાડ્યું હોય શકે. હાલ, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.’