પાર્ટી પ્લોટ, મંડપ ડેકોરેશન અને કેટરિંગ સેવાઓ આપતી પેઢીઓ સામે તવાઈ
૨૪.૮૯ કરોડના બિન હિસાબી વ્યવહારો સામે આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યભરમાં કરચોરી મામલે સ્ટેટ GST વિભાગ એક્શન મોડમા જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં ફરી એકવાર રાજ્યવ્યાપી દરોડા પાડી કર ચોરી કરનારોઓ પર કાર્યવાહી કરી છે. પાર્ટી પ્લોટ, મંડપ ડેકોરેશન અને કેટરિંગ સેવાઓ આપતી પેઢીઓ સામે તવાઈ બોલાઈ છે.
GST વિભાગે અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ સહિતના શહેરોમાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. રાજ્યભરમાં ૫૨ પેઢી સહિત કુલ ૬૭ સ્થળો પર તવાઈ બોલાવી છે. ૨૪.૮૯ કરોડના બિન હિસાબી વ્યવહારો સામે આવ્યા છે. ૫.૪૨ કરોડ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ GST વિભાગે અગાઉ નડિયાદમાં દરોડા પાડ્યા હતાં. પૂર્વ પાલિકા પ્રમુખના ધ ગ્રાન્ડ ચેતક પાર્ટી પ્લોટ સરવે હાથ ધરાયો હતો, સાથો સાથ સંગાથ પાર્ટી પ્લોટમાં પણ GST વિભાગના દરોડા પાડ્યા હતાં.
લગ્નની સિઝન દરમિયાન પાર્ટીપ્લોટમાં GST નો સરવે થતાં GST ચોરી મોટા પાયે બહાર આવવાની શક્યતાઓ છે. GST દરોડાના પગલે પાર્ટીપ્લોટ માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.