જાતિ આધારિત વસતી ગણતરી અંગે આપ્યું હતું નિવેદન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લા કોર્ટે જાતિ ગણતરી પર નિવેદન આપવા બદલ લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને નોટિસ પાઠવી છે. અરજદાર પંકજ પાઠકે અરજીમાં જણાવ્યું હતું કે, અમને લાગે છે કે, ચૂંટણી દરમિયાન જાતિ ગણતરી પર રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનો દેશમાં ગૃહ યુદ્ધ શરૂ કરાવી શકે છે. અમે અગાઉ પણ MP-MLA કોર્ટમાં તેમની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ જિલ્લા જજ કોર્ટમાં પણ અપીલ સ્વીકારવામાં આવી હતી. અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારાઈ હતી. નોટિસમાં ૭ જાન્યુઆરીની તારીખ આપી હતી.
રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ જારી રાખી હતી. કોંગ્રેસે ભાજપ, PM મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર બીઆર આંબેડકરનું અપમાન કરવાનો દાવો કરતાં અમિત શાહને રાજીનામું આપવા માંગ કરી છે. સોશિયલ મીડિયા પર પણ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપ, વડાપ્રધાન મોદી અને અમિત શાહે બંધારણ પર હુમલો કરી બાબા સાહેબનું અપમાન કરી જીવનની સૌથી મોટી ભૂલ કરી છે. ભારત આ ભૂલને માફ કરશે નહીં. ગૃહ મંત્રીને માફી માગવા અને રાજીનામું આપવુ જોઈએ. અમિત શાહની ટીપ્પણી બાદ કોંગ્રેસ વિવિધ પ્રકારે વિરોધ પ્રદર્શનો કરી રહી છે, રેલીઓ યોજી હતી. તેમણે સંસદમાં પોતાના ભાષણમાં જણાવ્યુ કે, બંધારણમાં લખ્યું છે કે, જાતિ, ધર્મ અને જન્મ સ્થાન આધારિત ભેદભાવ પર પ્રતિબંધ છે. ભારતમાં એક લડાઈ ચાલી રહી છે. અમે બંધારણની વિચારણાના રક્ષક છીએ.