રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિશે વાંધાજનક નિવેદન આપ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહેલા નિતેશ રાણેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લઈને વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમણે કેરળને મિની પાકિસ્તાન કહેતા કહ્યું કે, “રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આતંકવાદી વોટના કારણે સાંસદ બને છે.” ભાજપ ધારાસભ્ય નિતેશ રાણેએ આ નિવેદન પુણે જિલ્લાના સાસવડ ગામમાં આપ્યું છે. તેમણે કહ્યું કે, “મહારાષ્ટ્રમાં હવે હિન્દુત્વની સરકાર છે. નિતેશ રાણેએ કહ્યું કે, કેરળ એક મિની પાકિસ્તાન છે. એટલા માટે રાહુલ ગાંધી અને તેમની બહેન ત્યાંથી ચૂંટણી જીતીને આવે છે. તમામ આતંકવાદી તેમને વોટિંગ કરે છે. તમામ આતંકવાદીઓને સાથે લઈને આ લોકો સાંસદ બને છે.”
આપને જણાવી દઈએ કે, નિતેશ રાણેને પ્રોગ્રામમાં સામેલ થતાં પહેલા જ પોલીસે ભડકાઉ ભાષણ નહીં આપવાની સલાહ આપી હતી, તેમ છતાં રાણેએ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિશે વાંધાજનક નિવેદન આપ્યું છે. નિતેશ રાણે ભાજપના સિનિયર નેતા નારાયણ રાણેનો દીકરો છે અને હવે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છે. વિવાદિત નિવેદન આપવા માટે ટેવાયેલા આ નેતા પર ૩૮ કેસ નોંધાયેલા છે. આપને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર મહિનામાં જ રાણે વિરુદ્ધ વિવાદિત નિવેદનને લઈને ફરિયાદ નોંધાઈ હતી. નિતેશએ નવી મુંબઈમાં એક ગણપતિ કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે લઘુમતી સમુદાયને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું.