વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપના ચૂંટણી અધિકારી બનાવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હરિયાણાથી લઈને UP સુધી ભાજપ ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આ અંગે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપે મોટી જાહેરાત કરી છે. ભાજપે પ્રદેશ પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની જાહેરાત કરી હતી. આ અધિકારીઓમાં લગભગ તમામ મોટા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઈ કવાયત તેજ થઈ ગઈ છે. ભૂપેન્દ્ર યાદવની ચૂંટણી અધિકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભૂપેન્દ્ર યાદવ નેતાઓ, કાર્યકર્તાઓ સાથે વાત કરીને પ્રદેશ પ્રમુખના નામ મોવડી મંડળને સોંપશે. જયારે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપના ચૂંટણી અધિકારી બનાવાયા છે. આ પહેલા રૂપાણીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ચૂંટવા માટે ઓબ્ઝર્વર બનાવાયા હતા.
આ જવાબદારી હરિયાણા માટે અરુણ સિંહને આપવામાં આવી છે, જ્યારે બિહાર માટે મનોહર લાલની પસંદગી કરવામાં આવી છે. જો મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં ચૂંટણી અધિકારી ધર્મેન્દ્ર પ્રધાન હશે. ભાજપે પૂર્વ સાંસદ સંજય ભાટિયાને જમ્મુ-કાશ્મીરના સંગઠન ચૂંટણી અધિકારી બનાવ્યા છે. કેરળ માટે પ્રહલાદ જોશી, લદ્દાખ માટે જયરામ ઠાકુર, લક્ષદ્વીપ માટે પોન રાધાકૃષ્ણન. જ્યોર્જ કુરિયનને મેઘાલય માટે અધિકારી જાહેર કરવામાં આવ્યા છે. એ જ રીતે મિઝોરમ માટે વનાતિ શ્રીનિવાસન, નાગાલેન્ડ માટે વી. મુરલીધરન, ઓડિશા માટે સંજય જયસ્વાલ, પુડુચેરી માટે તરુણ ચુગ, સિક્કિમ માટે કિરણ રિજિજુ, તમિલનાડુ માટે જી. કિશન રેડ્ડી, તેલંગાણા માટે કુમારી શોભા કરંદલાજે અને ત્રિપુરા માટે જુઆલ ઓરામની નિમણૂક કરવામાં આવ્યા છે.
આ મહિને ભાજપ વધુ એક મહત્વનો ર્નિણય લેવા જઈ રહી છે. ભાજપના બંધારણ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરતા પહેલા ૫૦ ટકા રાજ્યોમાં સંગઠનની ચૂંટણી થવાની છે. આવી સ્થિતિમાં રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોની પણ ૧૫ જાન્યુઆરી સુધીમાં ચૂંટણી થવાની છે. આ પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ભાજપ જાન્યુઆરીમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરશે.