સાગરીતો બિનવારસી પીકઅપ વાનમાં કરતા હતા દારૂની હેરાફેરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરમાં વિદેશી દારૂનો જથ્થો મોટાપાયે સપ્લાય કરતી બિશ્નોઇ ગેંગના સાગરીતોને અટલાદરા પોલીસે ઝડપી પાડ્યા છે. અટલાદરા પોલીસને માહિતી મળી હતી કે છેલ્લા પાંચ દિવસથી બિલ કલાલી રોડ પર ધમાર્ક સોસાયટીના સામે એક પીકઅપવાન બિનવારસી હાલતમાં પડી છે. જેમાં દારૂને હેરાફેરી થતી હોવાની શંકા છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ પીકઅપવાન છેલ્લા દસ દિવસથી ભાડે રહેતા ચાર લોકો વારાફરતી ઉપયોગ કરે છે. પોલીસે મકાનમાં જઈને તપાસ કરતા ચાર લોકો હાજર મળી આવ્યા હતા. પોલીસે ગાડી બાબતે પૂછપરછ કરતા એક વ્યક્તિ બિલ્ડિંગના પહેલા માળથી રસોડાની બાલ્કનીમાંથી કૂદીને ખેતર તરફ ભાગયો હતો. પોલીસ કોન્સ્ટેબલ અલયભાઈએ તેનો પીછો કરીને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા વ્યક્તિઓની પૂછપરછ કરતા તેમને જણાવ્યું હતું કે અમે બિશ્નોઇ ગેંગના માણસો છે અને વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઘુસાડવાની યોજનામાં છે. વિદેશી દારૂ રાખવા માટે ભાયલી ખાતે સમન્વય વેસ્ટ ફિલ્ડ નામના ફ્લેટની નીચે ગોડાઉન પણ ભાડે રાખ્યું છે. વડોદરામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં પકડાયેલા ઘેવર બિશ્નોઇના માણસો છીએ અને અમને પગાર પર કામે રાખ્યા છે. પોલીસે (૧) રમેશ પુનામારામ શર્મા (૨) નરેશ દેરામારામ વિષ્ણુ (૩) હનુમાનરામ મનોહરલાલ બિશ્નોઇ તથા (૪) શ્રવણ જોગારામ વિષ્ણુભાઈ (તમામ રહે રાજસ્થાન) ને અટકાયત કરી તપાસ હાથ ધરી છે. શ્રવણ અગાઉ દારૂના ગુનામાં પકડાયો છે તેમજ વડોદરા જેલમાં પસામાં પણ સજા કાપેલી છે.