એસિડ ભરેલ ટેન્કર પાછળ ઓઈલના કેરબા ભરેલ ટ્રક ટકરાતા સર્જાતા અકસ્માત
(સંપૂર્ણ સમાચાર સેવા)
સતત ટ્રાફિકથી ધમધમતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ફરી રક્તરંજિત થયો છે. એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ભયાનક મોટો અક્સ્માત સર્જાયો હતો. એસિડ ભરેલ ટેન્કર પાછળ ઓઈલના કેરબા ભરેલ ટ્રક અથડાયો હતો. આ અક્સ્માતમાં ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. તો ટ્રકનો ક્લીનર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, એસિડ ભરેલ ટેન્કર અને ઓઈલના કેરબા ભરેલ ટ્રક વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન નડિયાદની અરેરા સીમ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાની સાથે જ ટ્રક ડ્રાઇવર અને ક્લીનર બન્ને વ્યક્તિઓ ટ્રકના કેબિનમાં ફસાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા જ નડિયાદની ટીમ રેસ્ક્યુ ટેન્ડર વેન અને ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ટ્રકના કેબીનમાં ફસાયેલ ડ્રાઇવર અને ટ્રકના ક્લીનરને બેટરી ઓપરેટેડ હાઇડ્રોલિક સ્પેડર કટર મદદથી ટ્રકના કેબીનનું પતરું કાપી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના વિશે નડિયાદ ફાયર બ્રિગેડના ફાયરમેન જયેશ પટેલે જણાવ્યુંક ે, અકસ્માતના પગલે લગભગ એક કલાક સુધી નડિયાદથી અમદાવાદ તરફ જતા વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, અકસ્માત થતાની સાથે જ એસિડ ભરેલ ટેન્કર લીક થયું હતું. જેથી ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક એસિડને ડાયલ્યુટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મેઈન લેન બાજુથી વાહનવ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.