Last Updated on by Sampurna Samachar
એશિયાની ત્રણ મહાસત્તા એકસાથે જોવા મળતાં ટ્રમ્પ ભડ્ક્યા
ત્રણેયની એકતા ટ્રમ્પને ખૂંચી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયાના સંબંધો પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે, અમેરિકાએ ભારત અને રશિયા બંને દેશોને ચીનના હાથોમાં ગુમાવી દીધા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રૂથ પર આ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે ટ્રૂથ પર ત્રણેય દેશના વડાની સંયુક્ત તસવીર પોસ્ટ કરતાં કહ્યું કે, અમે ભારત અને રશિયાને ઊંડા, અંધારા ચીનના હાથોમાં ગુમાવ્યા, અપેક્ષા છે કે, તેઓ એક સાથે લાંબું અને સમુદ્ધ ભવિષ્ય મેળવે.
ટ્રમ્પનુ આ નિવેદન સંકેત આપે છે કે, હાલમાં જ આ ત્રણેય દેશોના વડાની એકજૂટતા ખૂંચી રહી છે. ચીનના તિઆનજિન શહેરમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદી, ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ પુતિન એકજૂટ જોવા મળ્યા હતા. તેઓએ ટ્રમ્પના ટેરિફની આકરી ટીકા કરી હતી.
ભારત વિરુદ્ધ ટેરિફ વલણની આકરી ટીકા કરી
એશિયાની ત્રણ મહાસત્તા SCO શિખર સંમેલનમાં એક થતાં ટ્રમ્પ ભડકી ઉઠ્યા છે. ચીન અને રશિયાએ અમેરિકાના ભારત વિરુદ્ધ ટેરિફ વલણની આકરી ટીકા કરતાં અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમજ ત્રણેય દેશોએ પોતાના આર્થિક અને વ્યાપારિક સંબંધોને વધુ ગાઢ બનાવવાનું હુંકાર ભર્યો હતો.