Last Updated on by Sampurna Samachar
૨૬ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કર્યો છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૪ ડિસેમ્બર હતી, પરંતુ હજુ અમુક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તેમ જણાતા મુદત બે દિવસ વધારી ૨૬ ડિસેમ્બર સુધીની કરવામાં આવી છે. ઉપરાંત પ્રિન્સિપાલ એપ્રુવલ સહિતની કામગીરી પણ પૂર્ણ કરવા માટે બોર્ડે સ્કૂલોને સૂચના આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલી સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમા ધરાવતી રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, શાળાના સંચાલકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા પત્ર લખી જાણ કરવામાં આવી છે કે, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના ફેબ્રુઆરી-૨૦૨૫ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો લેઇટ ફી સાથે ઓનલાઇન ભરવાની મુદત લંબાવવામાં આવી છે.
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૪ ડિસેમ્બર હતી. જોકે, હવે તેમાં વધારો કરીને ૨૬ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે શાળાઓએ પ્રિન્સિપાલ એપ્રુવલ આપવાનું બાકી છે તેઓએ તાત્કાલિક પ્રિન્સિપાલ એપ્રુવલ આપી દેવાનું રહેશે તેમ પણ બોર્ડ દ્વારા જણાવાયું છે.