Last Updated on by Sampurna Samachar
હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નહીં
પરિવારના કેટલાક સભ્યોની હોસ્પિટલમાં અવરજવર વધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત લથડતાં તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ICU માં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ તેમની તબિયત વધુ લથડતાં તેમને ICU માં વેન્ટિલેટર સપોર્ટ પર રખાયા હોવાની માહિતી સામે આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ૮૯ વર્ષીય ધર્મેન્દ્રની તબિયત બગડ્યા બાદ વેન્ટિલેટર પર ખસેડાયા છે. આ સમાચાર બાદ પરિવારના કેટલાક સભ્યોની હોસ્પિટલમાં અવરજવર વધી છે. તેમની તબિયત અંગે પરિવાર કે હોસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે પરિવાર તરફથી કોઇ નિવેદન નહીં
આ પહેલા ત્રીજી નવેમ્બરે ધર્મેન્દ્રના બીજી પત્ની અને અભિનેત્રી હેમા માલિનીએ ધર્મેન્દ્રની તબિયત અંગે માહિતી આપી હતી. એરપોર્ટ પર જ્યારે તેમને ધર્મેન્દ્રની તબિયત વિશે પૂછવામાં આવ્યું ત્યારે હેમા માલિનીએ હાથ જોડીને ‘ઠીક છે‘ તેમ કહીને સંકેત આપ્યો હતો કે, તેમની તબિયત સ્થિર છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ધર્મેન્દ્રની આગામી ફિલ્મ ‘ઈક્કિસ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેના પર સની દેઓલે પિતાના દમદાર અભિનયની પ્રશંસા કરી હતી. આ પહેલા ૨૦૨૨માં પણ તેમને સ્નાયુઓ સમસ્યાના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. હાલમાં ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.