Last Updated on by Sampurna Samachar
સુહાના ખાને કાગળોમાં પોતાને ખેડૂત તરીકે દર્શાવી
આગામી ફિલ્મ કિંગને લઈને ચર્ચામાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
અલીબાગના થલ ગામમાં ખેડૂતો માટે ફાળવેલી જમીન ખરીદવા બદલ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ છે. કાગળો અને પરવાનગી વગર ખરીદેલી રૂ.૧૩ કરોડની આ જમીન સુહાના ખાને રૂ.૭૭ લાખ સ્ટેમ્પ ડ્યુટી ભરીને પોતાના નામે કરાવી હતી. આ જમીનની કિંમત આશરે ૧૩ કરોડ રૂપિયા છે, જે સુહાનાએ મુંબઈના એક બિઝનેસમેન પાસેથી ખરીદી હતી.
જમીનનું ટ્રાન્સફર ૩૦ મે, ૨૦૨૩ના રોજ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં, આ મામલો તપાસ હેઠળ છે અને અલીબાગના મામલતદાર પાસેથી આ અંગે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. સુહાના ખાને વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૨ કરોડ રૂપિયાની કુલ કિંમતના ૨ પ્લોટ ખરીદ્યા હતા. આ પ્લોટ દેજા વૂ ફાર્મ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની હેઠળ નોંધાયેલા છે, જે ગૌરી ખાનની માતા અને નણંદના નામે રજિસ્ટર્ડ છે.
આ કેસમાં નિષ્પક્ષ રિપોર્ટ માંગ્યો
આરોપ છે કે જમીન ખરીદતી વખતે સુહાના ખાને કાગળોમાં પોતાને ખેડૂત તરીકે દર્શાવી છે. આ મામલો ગરમાયા બાદ તેની તપાસ ચાલી રહી છે અને ડેપ્યુટી કલેક્ટર સંદેશ શિકરેએ અલીબાગના મામલતદાર પાસેથી આ કેસમાં નિષ્પક્ષ રિપોર્ટ માગ્યો છે.
સુહાના ખાનની વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે હાલમાં તેની આગામી ફિલ્મ કિંગને લઈને ચર્ચામાં છે, જેમાં તે શાહરુખ ખાન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સુહાનાની બીજી ફિલ્મ હશે. તેની ડેબ્યુ ફિલ્મ ધ આર્ચીઝ હતી, જેને દર્શકો અને વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો ન હતો.