કરીનાએ ટિમ-જેહનો માટે PM મોદી પાસેથી લીધો ઓટોગ્રાફ
PM ને મળ્યાની ખુશીની પળોને પુરા પરિવારે સોશિયલ મીડિયા પર શેર કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય સિનેમાના ગ્રેટ શોમેન રાજ કપૂરની ૧૦૦મી જન્મજયંતિની ઉજવણી ભવ્ય રીતે થશે. કપૂર પરિવાર પૂરા ધામધૂમથી આ અવસરને સેલિબ્રેટ કરવામાં વ્યસ્ત છે. પરિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપ્યું છે. સમગ્ર પરિવારે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આની ખુશી વ્યક્ત કરી છે.
૧૪ ડિસેમ્બરે બોલિવૂડ શોમેન રાજ કપૂરની ૧૦૦મી જન્મજયંતિ છે. ત્યારે કપૂર પરિવાર આ અવસરને ખાસ બનાવવા માટે કોઈ કસર નથી છોડી રહ્યો. કપૂર પરિવારે ૧૩ થી ૧૫ ડિસેમ્બરની વચ્ચે આર.કે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે, જેને લઈને કપૂર પરિવારના સભ્યો PM મોદીને મળ્યા હતા.
આ ફિલ્મ ફેસ્ટિવલ માટે કપૂર પરિવારના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપ્યું છે. આ દરમિયાન આખો કપૂર પરિવાર એક સાથે જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો પણ સામે આવ્યા છે. કરીના કપૂર, કરિશ્મા કપૂર, આલિયા અને રિદ્ધિમાએ પણ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ મીટિંગની તસવીરો શેર કરી છે. તસવીરોમાં તેની સાથે નીતુ કપૂર, રણબીર, સૈફ અલી ખાન, અનીશા મલ્હોત્રા જૈન, અરમાન જૈન પણ જોવા મળે છે.