આ ધમકીભર્યો ઇ-મેલ પાકિસ્તાનથી આવ્યો હોવાની પ્રાથમિક માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલીવુડ કલાકારો માટે ભારે સમય ચાલી રહ્યો છે તેવું લાગે છે. તાજેતરમાં જ સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો જે ઘટનાને થોડા જ દિવસો થયા છે ત્યાં બોલીવુડના કેટલાક કલાકારોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની માહિતી મળી છે. કપિલ શર્મા સહિતના બોલીવુડના કલાકારોને ધમકી ભર્યો ઇમેલ આવ્યો છે જેના કારણે મુંબઈ પોલીસની ચિંતા વધી ગઈ છે. આ ઈમેલ પાકિસ્તાનથી કરવામાં આવ્યો છે જેમાં કલાકારોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
ત્યારે ધમકીભર્યા ઈમેલના આ મામલાને પોલીસે ગંભીરતાથી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે. મુંબઈ પોલીસ અનુસાર એક્ટર રાજપાલ યાદવ, કપિલ શર્મા, રેમો ડિસુઝા અને સુગંધા મિશ્રાને ધમકી ભર્યા ઈ-મેલ મળ્યા છે. આ ઈમેલમાં છેલ્લે બિષ્ણુ નામ લખેલું છે. ધમકી ભર્યો ઈમેલ મળ્યા પછી ત્રણ કલાકારોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે એફ.આઇ.આર નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ઈમેલ પાકિસ્તાનથી કરવામાં આવ્યો છે.
કલાકારોને જે ઈમેલ કરવામાં આવ્યા છે તેમાં ૮ કલાકની અંદર જવાબ દેવાનું કહેવામાં આવ્યું છે. મુંબઈ પોલીસે એક્ટર રાજપાલ યાદવની ફરિયાદ પર એફઆઇઆર નોંધી છે. સાથે જ કોમેડીયન સુગંધા મિશ્રા, કપિલ શર્મા અને કોરિયોગ્રાફર રેમોએ પણ ઇમેલથી ધમકી મળી હોવાની ફરિયાદ કરી છે.
આ જે ઈમેલ કરવામાં આવ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે, તેઓ કલાકારોની બધી ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે. આ ગંભીર બાબત છે જે કલાકારોએ સમજવી જરૂરી છે. ઈમેલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, “આ કોઈ પબ્લિક સ્થિતિ સ્ટંટ નથી કે કોઈ ખોટી રીતે પરેશાન નથી કરી રહ્યું. ઈમેલમાં ધમકી આપવામાં આવી છે તે મેસેજને ધ્યાનથી વાંચો અને ગોપનીય રાખો. જો તમે આવું નહીં કરો તો તેની અસર પર્સનલ લાઇફ પર થશે.”