“અમે અમારા અંગત અને વ્યાવસાયિક જીવનને અલગ રાખવા માંગતા હતા”
અભિનેત્રીએ ગત ડીસેમ્બરમાં જ વિદેશી બોયફ્રેન્ડ સાથે કરી લીધા છે લગ્ન
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાપસી પન્નુ આ વર્ષની શરૂઆતમાં તેના લગ્નને લઈને ચર્ચામાં હતી. અભિનેત્રીએ આ વર્ષે માર્ચમાં તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે લગ્ન કર્યા હતા.
આ કપલે ઉદયપુરમાં ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા હતા, પરંતુ તેમના લગ્ન વિશે કોઈને ખબર પણ નહોતી. તાપસી પન્નુએ મેથિયાસ બો સાથેના લગ્નને ટોપ સિક્રેટ રાખ્યું હતું અને લગ્નના ૯ મહિના પછી પણ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પણ ફોટો શેર કર્યો નથી.
તાપસી પન્નુએ તેના લગ્નને લગતો એવો ખુલાસો કર્યો હતો, જેણે તમામ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. અભિનેત્રીએ જણાવ્યું કે, તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા અને તે જલદી જ તેની લગ્નની એનિવર્સરી સેલિબ્રેટ કરવા જઈ રહી છે. તાપસીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ડિસેમ્બરમાં તેઓએ કાગળો પર સહી કરીને ઓફિશિયલ લગ્ન કર્યા હતા અને આ વર્ષે રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
તેના લગ્નને સિક્રેટ રાખવા અને ફંક્શનનો એક પણ ફોટો શેર ન કરવા અંગે તાપસી કહે છે, “લોકો મારા લગ્ન વિશે સંપૂર્ણપણે અજાણ હતા કારણ કે અમે કોઈ જાહેરાત કરી ન હતી. અમે ગયા વર્ષે જ પેપર પર લગ્ન કર્યા હતા. અમારી લગ્નની એનિવર્સરી ટૂંક સમયમાં આવી રહી છે. જો આજે મેં આ વાત અહીં જાહેર ન કરી હોત તો કોઈને ખબર ન પડી હોત.”
તાપસી આગળ કહે છે, “અમે અમારા અંગત અને વ્યાવસાયિક જીવનને અલગ રાખવા માગતા હતા. મેં જોયું છે કે કોઈના અંગત જીવન વિશે વધુ પડતું ખુલાસો કરવાથી અંગત જીવન અને વ્યાવસાયિક જીવન પર નકારાત્મક અસર પડે છે. કારકિર્દીની સફળતાઓ અને નિષ્ફળતાઓ ઘણીવાર અંગત જીવનને પણ અસર કરે છે, જેના કારણે બિનજરૂરી તણાવ થાય છે. મેં હંમેશા બંને વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.” અભિનેત્રીએ માર્ચમાં તેના ભૂતપૂર્વ ઓલિમ્પિક મેડલિસ્ટ બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના મિત્રો હાજર રહ્યા હતા. બોલિવૂડમાંથી માત્ર અનુરાગ કશ્યપ જ જોવા મળ્યો હતો.