યુવતી સાથે જબરદસ્તી કરી હોવાની પોલીસ ફરિયાદ પણ દાખલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
‘જોશ’, ‘તમન્ના’, ‘દસ્તક’, ‘ત્રિશક્તિ’ અને ‘ઉસકી ટોપી ઉસ્કે સર’ જેવી ફિલ્મોથી પ્રખ્યાત થયેલા બોલિવૂડ એક્ટર શરદ કપૂર પર એક યુવતીએ ગંભીર આરોપ લગાવ્યા છે. યુવતીએ બોલિવૂડ અભિનેતા પર તેની સાથે જબરદસ્તી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. યુવતીનો આરોપ છે કે અભિનેતાએ પહેલા તો તેને ઓફિસના કામનું બહાનું બતાવી ઘરે બોલાવી અને પછી તેની સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરી હતી. યુવતીએ આ મામલે અભિનેતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે, પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પીડિતાએ તેના આરોપમાં કહ્યું છે કે, તે ફેસબુક દ્વારા શરદ કપૂરના સંપર્કમાં આવી હતી. તે શરદ કપૂર સાથે વાત કરી રહી છે તેની પુષ્ટિ કરવા તેણે અભિનેતા સાથે વીડિયો કૉલ પર વાત કરી. શરદે યુવતીને કહ્યું કે, તે એક શૂટિંગના સંબંધમાં તેની સાથે વાત કરવા અને મળવા માંગે છે. એ પછી શરદે ફોન દ્વારા યુવતીને તેનું લોકેશન મોકલ્યું અને તેને ખારમાં તેની ઓફિસ આવવા કહ્યું. પરંતુ, જ્યારે યુવતી ત્યાં પહોંચી ત્યારે તેને ખબર પડી કે તે શરદની ઓફિસ નહીં પરંતુ તેનું ઘર છે.યુવતીએ કહ્યું કે, “હું ખારમાં આવેલા બિલ્ડિંગના ત્રીજા માળે તેના ઘરે પહોંચી. તો શરદ ત્યાં હાજર હતો અને તે રસોડામાંથી બેડરૂમમાં ગયો. થોડી વાર પછી શરદે ફોન કર્યો અને તેણે મને બેડરૂમમાં આવવા કહ્યું. જ્યારે હું બેડરૂમના દરવાજા પાસે પહોંચી તો મેં શરદને ત્યાં કપડાં વગર બેઠેલો જોયો. આવી સ્થિતિમાં મે શરદને કપડાં પહેરીને વાત કરવા કહ્યું. ત્યારે શરદે મને તેના હાથમાં લીધી અને પાછળથી ખોટી રીતે પકડી રાખી. એ પછી મેં શરદને ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી આવી હતી.”