લોકોને કોઈ પણ ઝંઝટ વિના ફટાફટ કામ થતા તેના ત્યાં લગતી હતી કતારો
પોલીસે કૌભાંડીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પેટલાદ ટાઉનના PI એ.વી. પરમારને બાતમી મળી હતી કે ખોટા દસ્તાવેજો અને ખોટા સ્ટેમ્પ બનાવી એક શખ્સ લોકોને બેંકમાંથી લોન અપાવી ઊંચું વળતર મેળવી રહ્યો છે. આ બાતમીને આધારે શહેરના દંતાલી રોડ પર આવેલા સચ્ચિદાનંદ ટાઉનશીપના મકાન નંબર ૬૭ માં છાપો માર્યો હતો. પોલીસના છાપા દરમિયાન મકાનમાંથી ઋષિલકુમાર મહેન્દ્રભાઈ પટેલ નામનો યુવાન મળી આવ્યો હતો. પોલીસે તેને તેના ઘરની જડતી લેવાનો ઠરાવ બતાવ્યો હતો ત્યારબાદ તેને અને લાવેલા પંચોને સાથે રાખીને તેમણે ઘરમાં પ્રવેશ કર્યો હતો.
પોલીસે ઋષિલના ઘરમાં જોયું તો પ્રથમ એક ઓસરીની પૂર્વે તથા ઉત્તર દિશાની દિવાલે એક ટેબલની ઉપર એચપી કંપનીનું લેપટોપ તથા પ્રિન્ટર મૂકવામાં આવ્યું હતું. તેની નજીકમાં રબર સ્ટેમ્પના સિક્કા બનાવવાનું પોલીમર સ્ટેમ્પ યુનિટ મશીન પણ પડેલું હતું પોલીસે જોયું તો ટેબલના ડ્રોવરની અંદર અલગ અલગ પ્લાસ્ટિકની બનાવટના રબર સ્ટેમ્પ નંગ ૨૫ મળી આવ્યા હતા. પોલીસે તેના ઘરેથી નાની મોટી થઈ કુલ ૩૮ નંગ જેટલી વસ્તુઓ કબજે લીધી હતી. પોલીસે તેની પાસે અધિકૃત રીતે અધિકારી દ્વારા આપવામાં આવેલા પરવાના બાબતે પૂછતાછ કરી હતી ત્યારે આવા ડોક્યુમેન્ટ તૈયાર કરવાનો કોઈ પરવાનો તેની પાસે ન હોવાનું તેણે જણાવ્યું કે તે જાતે પોલીમર મશીન દ્વારા અલગ-અલગ ગ્રામ પંચાયતના ખોટા રબર સ્ટેમ્પ બનાવી ગ્રામ્ય વિસ્તારના અલગઅલગ ગ્રાહકોને જુદી જુદી બેંકોમાંથી લોન મંજૂર કરાવવા માટે આકારણી પત્રક, વેરા પાવતી સહિતના કાગળિયા તૈયાર કરી આપતો હતો.
તેની ઉપર તે જાતે સિક્કા મારતો અને સહી પર કરી આપતો હતો. જેથી આ કાગળિયા ગ્રાહકો બેંકમાં રજૂ કરતા અને તેના દ્વારા તેઓ લોન મેળવતા હતા આ લોન આવી ગયા બાદ તે તેમાંથી ઊંચું વળતર મેળવતો હતો.ઋષિલ મહેન્દ્રભાઈ પટેલની આ કેફિયત સાંભળી પેટલાદ શહેર પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આવા ૨૩ જેટલા ગામના તલાટી કમ મંત્રીના નામના તથા પંચાયતના સીલવાળા સિક્કા તેણે જ બનાવ્યા હતા. જે પોલીસે કબ્જે લીધા છે. પોલીસે તરત જ તેની ધરપકડ કરી હતી અને તમામ મુદ્દા માલ કબજે લીધા હતા.
ઋષિલ પોતાના ઘરે લેપટોપમાં ડાઉનલોડ કરેલ કોરલ ડ્રાઈવ ૧૧ અને એડોબ ફોટોશોપ સી એસ ટુ એપ્લિકેશન દ્વારા માઈક્રોસોફ્ટ એક્સેલનો ઉપયોગ કરી ગ્રાહકોના નામના ગ્રામ પંચાયતના ડોક્યુમેન્ટ, આકારણીપત્રકો તથા વેરા પાવતીઓ પોતે છેડછાડ કરી ખોટી વિગતો લખી તેની પ્રિન્ટ કાઢી તેના ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા રબર સ્ટેમ્પના સિક્કા લગાવી બનાવટી સહી કરી આ ડોક્યુમેન્ટનો સાચા તરીકે ઉપયોગ કરી ગ્રાહકોને અલગ અલગ બેંકોમાંથી લોન અપાવતો હતો. ઉપરાંત ગ્રાહકોને બેંકમાં તે રજૂ કર્યા પછી જે લોન મળતી હતી તેમાંથી તે ઊંચું વળતર કાપી લેતો હતો. લોકોને કોઈ પણ જાતની જફા વિના ફટાફટ કામ થઈ જતું હોય તેને ત્યાં લાઈનો લાગતી હતી.