Last Updated on by Sampurna Samachar
કેબિનેટની બેઠકમાં ન દેખાયા શિંદેના મંત્રી
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ડખા હોવાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ભાજપ અને શિવસેના વચ્ચે આંતરિક વિવાદ હોવાના અહેવાલ સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ સચિવાલયમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં માત્ર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે જ હજાર રહ્યા હતા, જ્યારે મહાયુતિ સરકારમાં શિવસેના જૂથના મોટાભાગના મંત્રીઓ બેઠકથી દૂર રહ્યા હતા. આ મામલો સામે આવ્યા બાદ ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે.

રિપોર્ટ મુજબ, શિવસેના જૂથના મંત્રીઓ ભાજપને સંદેશ આપવા માટે બેઠકથી દૂર રહ્યા હતા. તેઓ સંદેશ આપવા માંગતા હતા કે, જે થઈ રહ્યું છે, તેનો ક્યારેય સ્વિકાર કરવામાં નહીં આવે. વાસ્વતમાં BMC ચૂંટણીના કારણે ભાજપ-શિવસેના વચ્ચે તિરાડ પડી છે. તાજેતરમાં ડોમ્બિવલી શહેરમાં શિવસેનાના ઘણા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જેને કારણે શિવસેના નારાજ થયું છે.
મહાયુતિ મળીને BMC ની ચૂંટણી લડશે
રિપોર્ટ મુજબ, કલ્યાણ-ડોમ્બિવલીમાં શિવસેનામાંથી ભાજપમાં સામેલ થયેલા એક નેતાના કારણે પણ બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હોવાની ચર્ચા છે. એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે, શિવસેનાના મંત્રીઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ના કાર્યાલયમાં તેમની સાથે મુલાકાત કરી હતી અને મંત્રીઓએ ડોમ્બિવલી ઘટનાક્રમ મામલે નારાજગી વ્યક્ત કરી હતી.
આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘પડોશી ઉલ્હાસનગર ક્ષેત્રમાં ભાજપના સભ્યોને સૌથી પહેલા શિવસેનાએ જ પોતાના પક્ષમાં સામેલ કર્યા હતા.’ તેમણે કથિત રીતે શિવસેનાના નેતાઓને કહ્યું કે, ‘તમારી પાર્ટી અન્ય સાથી પક્ષોના કાર્યકર્તાઓને પોતાના પક્ષમાં સામેલ કરી શકે છે, તો ભાજપ આવું કે ન કરી શકે, આવી ફરિયાદ ન કરવી જોઈએ.’
ફડણવીસે શિવસેનાના મંત્રીઓને કથિત રીતે સ્પષ્ટ સંભળાવી દીધું છે કે, ‘હવેથી ગઠબંધનના સાથી પક્ષોએ એક-બીજાના કાર્યકર્તાઓને પક્ષમાં સામેલ ન કરવા જાેઈએ. મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદે ની શિવસેના અને અજિત પવાર ની એનસીપી સામેલ છે. જાેકે મહાયુતિમાં બે પક્ષો વચ્ચે વિવાદ થયો હોવાની વાતને ભાજપે રદીયો આપ્યો છે.
મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપ નેતા ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, ‘મહાયુતિ ગઠબંધનમાં સામેલ ભાજપ, શિવસેના અને એનસીપી સાથે મળીને બીએમસીની ચૂંટણી લડશે. તેમાં બેૃતૃતિયાંશ વોર્ડ અને ૫૧ ટકા મત હાંસલ કરવાનું અમારા ગઠબંધનનું લક્ષ્ય છે. મહાયુતિ મળીને બીએમસીની ચૂંટણી લડશે.’