Last Updated on by Sampurna Samachar
બ્લિંકિટ કર્મીઓનું આક્રમક આંદોલન
કર્મચારીઓને પહેલાં કરતાં ઓછુ વળતર અપાતાં રોષ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નડિયાદ શહેરમાં ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ” બ્લિંકિટ” ના કર્મચારીઓએ આંદોલન છેડ્યુ છે. જેમાં આશરે 150 જેટલા ડિલિવરી કર્મચારીઓ એકાએક હડતાલ પર ઉતરી જતા હોબાળો મચી ગયો. કર્મચારીઓનો મુખ્ય વિરોધ કંપની દ્વારા ડીલેવરી રેટમાં કરવામાં આવેલા ધરખમ ઘટાડા સામે છે. જ્યાં એક ઓર્ડર દીઠ કર્મચારીને ₹75 નું વળતર મળતું હતું, જે ઘટીને હવે સીધું ₹38 કરી દેવામાં આવતાં કર્મચારીઓમાં રોષ ભભૂક્યો છે.

ઓછા મહેનતાણામાં પેટ્રોલના ખર્ચ બાદ કંઈ જ બચતું ન હોવાનું જણાવી કર્મચારીઓએ આક્ષેપ કર્યો કે કંપની તેમનું આર્થિક શોષણ કરી રહી છે. આ હડતાલના કારણે નડિયાદમાં બ્લિંકિટની ડીલેવરી સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ અને હજારો ઓર્ડર અટકી ગયા છે.
ડીલેવરી પાર્ટનર્સમાં લાંબા સમયથી અસંતોષ હતો
કર્મચારીઓએ આક્ષેપો કર્યા કે જ્યારે તેઓ આ વળતરના ઘટાડા અંગે મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરવા ગયા ત્યારે સ્થાનિક મેનેજરએ તેમની સમસ્યા સાંભળવાને બદલે તેમને ત્યાંથી કાઢી મૂક્યા. યોગ્ય વળતર અકસ્માત વીમો અને કર્મચારીલક્ષી લાભોના અભાવે ડીલેવરી પાર્ટનર્સમાં લાંબા સમયથી અસંતોષ હતો જે હવે વિસ્ફોટક હડતાળના સ્વરૂપે બહાર આવ્યો છે.
રોષે ભરાયેલા કર્મચારીઓએ જણાવ્યું છે કે જ્યાં સુધી જુના રેટ પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે અને મેનેજમેન્ટ દ્વારા લેખિતમાં ખાતરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ કામ પરત ફરશે નહીં.