Last Updated on by Sampurna Samachar
૩ બાળકોની માતાને રાત્રે મળવા જવું પ્રેમીને ભારે પડ્યું
ઈટાવામાં મહિલા અને તેના પ્રેમીને પરિવારના સભ્યોએ બંધક બનાવીને માર માર્યો ત્યારબાદ મોઢા કાળા કર્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા અને તેના પ્રેમીને પરિવારના સભ્યોએ બંધક બનાવ્યા હતા. ત્યાર બાદ બંનેને ર્નિદયતાથી માર માર્યો હતો. તેમના મોઢા કાળા કરી આખા ગામમાં ફેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરતા મહિલાના પતિ અને દિયર સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ, આ ઘટના વૈદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના બર્રા ગામની છે. મહિલા ત્રણ બાળકોની માતા છે અને તેનો છેલ્લા પાંચ વર્ષથી માસીની જેઠાણીના દીકરા સાથે અફેર ચાલી રહ્યો હતો. ગત રાત્રે આશરે એક વાગ્યે મહિલાનો પ્રેમી તેને પોતાની સાથે લઈ જવા માટે તેના ગામમાં ગયો હતો.
પીડિતાની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી
આ દરમિયાન પરિવાર અને ગામના લોકોએ બંનેને પકડી પાડ્યા હતા. આરોપ છે કે ત્યારબાદ બંનેને બંધક બનાવીને આખી રાત માર મારવામાં આવ્યો હતો. મહિલા અને તેના પ્રેમીનું મોઢું કાળું કરી દેવામાં આવ્યું હતું. સવાર થતા-થતા બંનેને આખા ગામમાં ફેરવવાની તૈયારી ચાલતી હતી. આ દરમિયાન કોઈ ગ્રામજને પોલીસને જાણ કરી દીધી હતી, જેના પછી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં કરી હતી.
મહિલાના સસરાનું કહેવું છે કે, તેમની વહુનો પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો અને યુવક રાત્રે તેને લેવા આવ્યો હતો, ત્યારે જ ગામના લોકોએ બંનેને પકડી પાડ્યા હતા. બીજી તરફ પડોશીએ જણાવ્યું કે, બંનેને માર મારવામાં આવ્યો હતો અને તેમના મોઢા કાળા કરવામાં આવ્યા હતા.
પડોશીએ જણાવ્યું કે, બંનેને પકડીને આખી રાત માર મારવામાં આવ્યો અને મોઢું કાળું કરવામાં આવ્યું હતું. સવારે તેમને આખા ગામમાં ફેરવવાની ચર્ચા હતી, ત્યારે ગામની જ કોઈ વ્યક્તિએ પોલીસને બોલાવી લીધી હતી. ત્યારબાદ પોલીસે તેમના ઘરના સભ્યોની ધરપકડ કરી હતી.
પ્રેમીના બનેવીનો આરોપ છે કે, મારા સાળાને ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ઘરમાં પૂરીને માર મારવામાં આવ્યો અને બાંધીને ફેંકી દીધો હતો. સાળા અને તે મહિલાના મોઢા કાળા કરીને ગામમાં ફેરવવામાં પણ આવ્યા છે. તેમને જૂતાનો હાર પહેરાવીને ફેરવવાની વાત પણ કહેવામાં આવી રહી છે.
થાણા અધ્યક્ષ નાગેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, ગામમાં પીડિત મહિલા અને તેની માસીના દીકરા સાથે મહિલાના દિયર, પતિ સહિત પરિવારના સભ્યોએ મારપીટ કરી હતી અને મોઢું કાળું કર્યું હતું. આગળ કોઈ વધુ ગંભીર ઘટના બને તે પહેલાં જ પોલીસને જાણકારી મળી ગઈ હતી. પોલીસે સાત લોકોની અટકાયત કરી છે.
મહિલાના નિવેદન મુજબ, છેલ્લા પાંચ વર્ષથી તેનો પ્રેમ-સંબંધ ચાલી રહ્યો છે અને તેને ત્રણ બાળકો પણ છે. પીડિતાની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને પોલીસ અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે.