Last Updated on by Sampurna Samachar
પોલીસે ૭૧ લાખ રૂપિયાથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે એક સગીર સહિત કુલ ૫ કર્મચારીઓને રંગેહાથ ઝડપ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામમાં માનવ જિંદગી સાથે ગંભીર ચેડાં કરતું નકલી દૂધનું મસમોટું નેટવર્ક ઝડપાયું છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચએ બાતમીના આધારે ‘શ્રી સત્યા ડેરી પ્રોડક્ટ‘ નામની ફેક્ટરી પર ઓચિંતા દરોડા પાડ્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે અહીં દૂધ બનાવવા માટે પશુઓનો નહીં પણ ઘાતક રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ફેક્ટરીમાં યુરિયા ખાતર, કોસ્ટિક સોડા અને અન્ય જોખમી કેમિકલ્સ મિશ્રિત કરી નકલી દૂધ તૈયાર કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી ૭૧ લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ફેક્ટરીનો મુખ્ય સંચાલક પોલીસને થાપ આપી ફરાર
આ દરોડા દરમિયાન પોલીસે એક સગીર સહિત કુલ ૫ કર્મચારીઓને રંગેહાથ ઝડપી લીધા છે, જોકે ફેક્ટરીનો મુખ્ય સંચાલક રાકેશ ઉર્ફે ધમો નારાયણ પોલીસને થાપ આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. નકલી દૂધ બનાવવા માટે જે પદ્ધતિ અને રસાયણોનો ઉપયોગ થતો હતો તે લાંબા ગાળે જીવલેણ સાબિત થઈ શકે છે. હાલમાં LCB દ્વારા ફરાર મુખ્ય આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને આ કેમિકલ યુક્ત દૂધ કયા કયા શહેરોમાં સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે.