Last Updated on by Sampurna Samachar
પરબ ગામે ગેસ બોટલના કાળાબજારના રેકેટ પર LCB એ દરોડા પડ્યા
પોલીસે સ્થળ પરથી ૨૨૯ નાના-મોટા ભરેલા ગેસના બોટલ તેમજ ૧૫૩ ખાલી બોટલ મળી કુલ ૩૮૨ નંગ જપ્ત કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચએ કામરેજ તાલુકાના પરબ ગામે ચાલી રહેલા ગેસ સિલિન્ડરના કાળાબજારના એક મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને મોટા પ્રમાણમાં ગેસના બોટલ, બે આઈશર ટેમ્પો અને એક છોટા હાથી સહિત કુલ રૂપિયા ૩૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં કાળાબજારીમાં સંડોવાયેલા ૮ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પરબ ગામે કેટલાક વાહનોમાં ગેરકાયદેસર રીતે ગેસના બોટલનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ૨૨૯ નાના-મોટા ભરેલા ગેસના બોટલ તેમજ ૧૫૩ ખાલી બોટલ મળી કુલ ૩૮૨ નંગ જપ્ત કર્યા હતા. આ જથ્થો ૨ આઈશર ટેમ્પો અને ૧ છોટા હાથીમાં ભરેલો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ મહારાષ્ટ્રના પાલઘર ખાતે આવેલી ‘કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડ‘ નામની કંપનીમાંથી આ બોટલ ભરીને લાવ્યા હતા. આ જથ્થો તેઓ કામરેજના વેલંજા અને ભરૂચના અંકલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે સપ્લાય કરવાના હતા. સસ્તા દરે ગેસ લાવી તેને ઊંચા ભાવે કાળાબજારમાં વેચવાનું આખું નેટવર્ક છેલ્લા કેટલાક સમયથી સક્રિય હોવાની આશંકા છે.LCB એ આ મામલે ૮ આરોપીઓની ધરપકડ કરી છે.