Last Updated on by Sampurna Samachar
૧૦ માંથી ૯ શહેરોમાં ભાજપના મેયર બનશે
આપ પાર્ટીનો સફાયો થઇ ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હરિયાણાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને બમ્પર જીત મળી છે. વિધાનસભાની ચૂંટણી બાદ આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે કસોટી સમાન હતી, જેમાં કોંગ્રેસ ફરી નિષ્ફળ ગઈ હતી. સ્થિતિ એવી છે કે હરિયાણાની કુલ ૧૦ નગર નિગમોમાંથી ૯ પર ભાજપે જીત મેળવી છે. જ્યારે માનેસર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપક્ષ મેયર ઉમેદવાર ડો.ઈન્દ્રજીત યાદવનો વિજય થયો છે.
કોંગ્રેસ ૧૦ માંથી એક પણ બેઠક પર ખાતું ખોલાવી શકી નથી. આ ઉપરાંત ૨૧ શહેર પરિષદની ચૂંટણીમાં પણ કોંગ્રેસને જોરદાર ફટકો પડ્યો છે. સોનીપત, પાણીપત, ગુરુગ્રામથી લઈને ફરીદાબાદ સુધી ભાજપને જોરદાર જીત મળી છે.
ભાજપે લોકોનો જીત્યો વિશ્વાસ
વાત કરીએ તો જુલાણા નગરપાલિકાના ચેરમેન પદ પર પણ ભાજપનો વિજય થયો છે તો વિનેશ ફોગટ જુલાના વિધાનસભાથી જીત્યા હતા. ચાલો જાણીએ કઈ સીટ પર શું પરિણામ આવ્યું છે. સોનીપત મહાનગરપાલિકામાં મેયર પદની પેટાચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં ભાજપના રાજીવ જૈન ૩૪ હજાર ૭૪૯ વોટથી જીત્યા છે. જ્યારે કોંગ્રેસના કમલ દિવાન ૨૩ હજાર ૧૦૯ મતો સાથે બીજા ક્રમે રહ્યા હતા. સોનીપતના જાટ પ્રભુત્વ ધરાવતા શહેરી વિસ્તારોમાં ભાજપ પહેલેથી જ મજબૂત છે. હવે ફરી એકવાર વિજય નોંધાવીને તેણે બતાવ્યું છે કે લોકોને હજુ પણ તેમનામાં વિશ્વાસ છે.
ગુરુગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પણ કમબેક કર્યું છે. પાર્ટીની રાજ રાનીએ કોંગ્રેસની સીમા પાહુજાને ૧ લાખ ૭૯ હજાર ૪૮૫ મતોના જંગી અંતરથી હરાવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને ૯૧ હજાર ૨૯૬ મત મળ્યા હતા. રાજ રાની મલ્હોત્રાને કુલ ૨,૧૫,૭૫૪ વોટ મળ્યા, જ્યારે તેમની સામે ચૂંટણી લડનાર કોંગ્રેસની સીમા પાહુજાને માત્ર ૬૫ હજાર ૭૬૪ વોટ મળ્યા હતા.
સૌથી વધુ ચર્ચા રોહતકના ચૂંટણી પરિણામોની છે. આ જિલ્લો ભૂપિન્દર સિંહ હુડ્ડાનો ગઢ માનવામાં આવે છે, પરંતુ અહીં પણ કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. અહીંથી ભાજપના ઉમેદવાર રામ અવતારએ કોંગ્રેસના સૂરજમલ કિલોઈને ૪૫,૧૯૮ મતોથી હરાવ્યા હતા. ભાજપને ૧,૦૨,૨૬૯ અને કોંગ્રેસને ૫૭૦૭૧ વોટ મળ્યા હતા. આ સીટ પર ચોથા ક્રમે છે.
ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવીણ જાેશીને ૪૧૬૯૨૭ વોટ મળ્યા જ્યારે કોંગ્રેસની લતા રાનીને ૧૦૦૦૭૫ વોટ મળ્યા હતા તેમને ૩૧૬૮૫૨ મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બેઠક પર આપની નિશા દલાલ ફોજદાર ત્રીજા ક્રમે છે. ફરીદાબાદમાં ભાજપને સૌથી મોટી જીત મળી છે.
પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરના ગૃહ વિસ્તારમાં કરનાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના મનોજ વાધવા ૫૮ હજાર ૨૭૧ મતો સાથે બીજા ક્રમે રહ્યા હતા. અહીં ભારતીય જનતા પાર્ટીની રેણુ બાલા ગુપ્તા ૮૩ હજાર ૬૩૦ મતોથી જીતી છે. તેમણે કોંગ્રેસને ૨૫૩૫૯ મતોથી હરાવ્યા છે. આ બેઠક પણ પંજાબી પ્રભુત્વ ધરાવતી છે અને ભાજપ અહીં પરંપરાગત રીતે મજબૂત માનવામાં આવે છે.
હિસાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી બીજેપીના પ્રવીણ પોપલી ૬૪ હજાર ૪૫૬ વોટથી જીત્યા છે. તેમણે કોંગ્રેસના કૃષ્ણા ટીટુ સિંગલાને હરાવ્યા હતા. એક તરફ પોપલીને ૯૬૩૨૯ વોટ મળ્યા છે. જ્યારે સિંગલાને ૩૧૮૭૨ મત મળ્યા હતા. હવે જો પાણીપતની વાત કરીએ તો અહીં ભાજપના ઉમેદવાર કોમલ સૈનીની જીત થઈ છે. ૧૭ રાઉન્ડની મતગણતરી બાદ પણ તે ૧,૦૮,૭૨૯ મતોથી આગળ હતી. આ જીત ભાજપ માટે મોટી છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હરિયાણામાં પોતાના દમ પર બહુમતી મેળવીને આશ્ચર્યચકિત કરી દીધી છે. હાલમાં ભાજપ સતત ત્રીજી વખત રાજ્યમાં સત્તા પર છે.
ગુરુગ્રામના પડોશમાં આવેલા માનેસરમાં ભાજપ અને કોંગ્રેસ બંનેનો પરાજય થયો છે. અપક્ષ ઉમેદવાર ડૉ. ઈન્દ્રજીત યાદવ અહીંથી વિજયી થયા છે. તેઓ ૨,૨૯૩ મતોથી જીત્યા હતા. યાદવને કુલ ૨૬,૩૯૩ વોટ મળ્યા, જ્યારે ભાજપના મેયર ઉમેદવાર સુંદર લાલને માત્ર ૨૪,૧૦૦ વોટ જ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ અહીં ત્રીજા સ્થાને સરકી ગઈ છે.
શૈલજા સચદેવાને અંબાલામાં મોટી જીત મળી છે, જે ભાજપના વરિષ્ઠ નેતા અનિલ વિજનો ગઢ છે. જનતાએ તેમને શહેરના મેયર તરીકે ચૂંટ્યા છે. પંજાબને અડીને આવેલા યમુનાનગર શહેરમાં લોકોએ ભાજપમાંથી મેયર પણ ચૂંટ્યા છે. અહીંથી ભાજપના ઉમેદવાર સુમન બાહમાણી ૫૧૯૪૦ મતોથી આગળ છે અને તેમની જીત નિશ્ચિત માનવામાં આવે છે.