Last Updated on by Sampurna Samachar
કારોબારીની બેઠકમાં લેવાશે નિર્ણય
હજુ સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા બાકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખનું નામ ૧૫ માર્ચ સુધીમાં નક્કી થઈ જશે એવો સૂત્રોનો દાવો છે. સૂત્રોએ જણાવ્યું છે કે, ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ૧૯ અને ૨૦ માર્ચના રોજ બેંગલૂરૂમાં બોલાવાય એવી શક્યતા છે. રાષ્ટ્રીય કારોબારીમાં ભાજપના નવા પ્રમુખની વરણી કરાય પછી નવા પ્રમુખ અને સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધી સભામાં હાજરી આપશે.
સૂત્રોનું કહેવું છે કે, સંઘે ભાજપને પ્રતિનિધી સભા પહેલાં નવા પ્રમુખની વરણી કરવા અલ્ટિમેટમ આપ્યું હોવાથી ભાજપનો છૂટકો નથી. આ વરસે નવેમ્બરમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ભાજપની નેતાગીરી સંઘને નારાજ કરવા નથી માંગતી તેથી સંઘના અલ્ટિમેટમને માન અપાશે.
તમામ ચૂંટણી બાદ નિમણુંક થઇ શકે
ભાજપના બંધારણ પ્રમાણે દેશનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ૫૦ ટકામાં સંગઠનની ચૂંટણી પૂરી થઈ જવી જોઈએ. ભારતમાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે તેથી ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંગઠનની ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ જાય પછી જ ભાજપ નવા પ્રમુખની ચૂંટણી કરી શકે.
ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, અત્યાર સુધીમાં ૧૨ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હાલમાં બાકીનાં રાજ્યોમાં સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે અને ૧૫ માર્ચ પહેલાં આ પ્રક્રિયા પૂરી કરી લેવાશે તેથી ૧૫ માર્ચે નવા પ્રમુખના નામની જાહેરાતનો તખ્તો તૈયાર છે. પ્રતિનિધી હાજર રહે છે. આ વખતે બેઠક બેંગલુરુના ચન્નેહલ્લી સ્થિત જનસેવા વિદ્યા કેન્દ્ર પરિસરમાં યોજાશે.
આ બેઠકમાં સંઘના સરસંઘચાલક ડો. મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે અને તમામ સહ સરકાર્યવાહ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત હોદ્દેદારો, કારોબારી સભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, રાજ્ય અને વિસ્તાર સ્તરના ૧૪૮૦ સ્વયંસેવકો પણ હાજર રહેશે. સંઘ પ્રેરિત સંગઠનોના રાષ્ટ્રીય અધ્યક્ષો, મહામંત્રીઓ અને સંગઠન મહામંત્રીઓ પણ હાજર રહેશે.
RSS ની આગામી બેઠક મહત્વપૂર્ણ છે કારણ કે આ બેઠકમાં સંઘની સ્થાપનાનાં ૧૦૦ વર્ષની ઉજવણી અંગે ચર્ચા કરાશે. ભાજપ ઈચ્છે છે કે ભાજપ અને આરએસએસ વચ્ચે સમન્વય સુનિશ્ચિત કરવા માટે બેઠક પહેલા નવા પ્રમુખની વરણી કરી દેવાય.
ભાજપમાં સંગઠનની ચૂંટણી પ્રક્રિયા લાંબા સમયથી ચાલે છે પણ હજુ સુધી કોઈ પણ મોટા રાજ્યમાં સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થઈ નથી. ભાજપના બંધારણ પ્રમાણે દેશનાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ૫૦ ટકામાં સંગઠનની ચૂંટણી પૂરી થઈ જાય પછી જ ભાજપ નવા પ્રમુખની ચૂંટણી કરી શકે.
અત્યાર સુધીમાં અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, સિક્કિમ, નાગાલેન્ડ, રાજસ્થાન, આસામ, ચંદીગઢ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મેઘાલય અને લક્ષદ્વીપ એ ૧૨ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રક્રિયા પૂરી થઈ છે. આ યાદીમાં રાજસ્થાનને બાદ કરતાં બાકીનાં બધા સાવ નાનાં રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ જેવાં મોટાં રાજ્યો અને ગુજરાત તથા મધ્ય પ્રદેશ જેવાં ભાજપના વર્ચસ્વવાલાં રાજ્યોમાં પણ હજુ સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા બાકી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા આ વર્ષે બેંગલુરુમાં ૨૧, ૨૨ અને ૨૩ માર્ચ ૨૦૨૫ના રોજ યોજાઈ રહી છે. સંઘની ર્નિણય લેનારી સર્વોચ્ચ સંસ્થા મનાતી પ્રતિનિધી સભાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.