Last Updated on by Sampurna Samachar
ભાજપ અધ્યક્ષની ચૂંટણી લંબાઈ શકે
બિહારમાં વિધાનસભા ચૂંટણીથી રાજકારણ ગરમાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ શાસક પક્ષ ભાજપની મુશ્કેલીઓ વધી શકે છે. ભાજપ પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મુદ્દે અસમંજસમાં મુકાઈ છે. ભાજપ પહેલાંથી જ આ સર્વોચ્ચ પદ માટે પોતાના વૈચારિક સંગઠન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)ની સાથે સહમતિ બનાવવાના પડકારનો સામનો કરી રહ્યું હતું, એવામાં ધનખડના રાજીનામા બાદ નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂક મુદ્દે વિચારણા કરવી પડશે. પરિણામે ભાજપ અધ્યક્ષની ચૂંટણી લંબાઈ શકે છે.
નવા પાર્ટી અધ્યક્ષ મુદ્દે ચર્ચાઓ ફરી બંધ થઈ છે. જેના લીધે અન્ય રાજ્યોના અધ્યક્ષોની પસંદગીનો મામલો પણ ખોરંભે ચડ્યો છે. હાલ ઉપરાષ્ટ્રપતિની પસંદગી પર ફોકસ હોવાથી પક્ષની સંગઠન ચૂંટણી પાછળ ઠેલવાઈ શકે તેવી અટકળો વહેતી થઈ છે.
૩૬માંથી ૨૮ રાજ્યોના નવા અધ્યક્ષની જાહેરાત
હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારબાદ પણ સંગઠનની ચૂંટણી પર કોઈ ખાસ કામગીરી જોવા મળશે નહીં કારણકે, બિહારમાં વિધાનસભા ચૂંટણીથી રાજકારણ ગરમાયું છે. વિપક્ષની મજબૂત રણનીતિના પગલે ભાજપ હાલ જેડીયુના નેતૃત્વ હેઠળ બિહાર ચૂંટણી પર ફોકસ કરી શકે છે. ઉલ્લેખનીય છે, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક જેવા મોટા રાજ્યોના અધ્યક્ષની ચૂંટણી પણ પેન્ડિંગ છે. જેથી આ રાજ્યોના પક્ષના કાર્યકરોએ હજી વધુ રાહ જોવી પડશે.
રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે જે દિગ્ગજ નેતાઓના નામ ચર્ચામાં છે, તેમાં ધર્મેન્દ્ર પ્રધાન (કેન્દ્રીય મંત્રી), શિવરાજસિંહ ચૌહાણ (કેબિનેટ મંત્રી), મનોહર લાલ ખટ્ટર (કેબિનેટ મંત્રી), ભુપેન્દ્ર યાદવ (કેબિનેટ મંત્રી) જેવા દિગ્ગજ સામેલ છે. જેમાંથી અમુક નામ સંગઠનાત્મક અનુભવના આધારે મજબૂત દાવેદાર છે. અમુક નામ રાજકીય પ્રતિનિધિત્વ અને સામાજિક સંતુલનને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યા છે. ભાજપે અત્યારસુધી ૩૬માંથી ૨૮ રાજ્યોના નવા અધ્યક્ષની જાહેરાત કરી છે. મહત્ત્વપૂર્ણ રાજ્ય જેમ કે, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, હરિયાણા, અને ગુજરાતમાં હજી અધ્યક્ષની વરણી બાકી છે.