Last Updated on by Sampurna Samachar
પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત ૧૮ દિગ્ગજ નેતાઓના રાજીનામા
રાજીનામું આપવા પાછળનું કારણ જણાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
આસામમાં ભાજપને મોટો ઝટકો વાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચાર વખત ભાજપ સાંસદ રહી ચૂકેલા રાજેન ગોહૈને પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથે અન્ય ૧૭ સભ્યોએ પણ રાજીનામું આપતાં પક્ષમાં સોંપો પડ્યો છે. રાજેન ગોહૈને આ ર્નિણય અંગે ભાજપના પ્રાદેશિક અધ્યક્ષ દિલીપ સૈકિયાને પત્ર લખી જાણ કરી હતી. તેમણે લખ્યું હતું કે, હું પક્ષનું પ્રાથમિક સભ્યપદ અને તમામ જવાબદારીઓમાંથી તાત્કાલિક ધોરણે દૂર થઈ રહ્યો છું.
સૂત્રો અનુસાર, રાજીનામું આપનારા મોટાભાગના સભ્ય સારૂ એવું વર્ચસ્વ ધરાવે છે. રાજેન ગોહૈને પત્રકારો સાથે વાત કરતાં રાજીનામું આપવા પાછળનું કારણ જણાવ્યું હતું કે, પક્ષ આસામના લોકોને આપવામાં આવેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યું છે, સ્થાનિક સમુદાયો સાથે છેતરપિંડી કરી છે. બહારના લોકોને રાજ્યમાં વસવાટ કરવા મંજૂરી આપી છે.
ભાજપ આસામમાં જીતની હેટ્રિક ઇચ્છે છે
રાજેન ગોહૈન ૧૯૯૯થી ૨૦૧૯ સુધી નાગાંવ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા અને ૨૦૧૬થી ૨૦૧૯ સુધીમાં રેલવે મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ભાજપમાં રહીને તેમણે પક્ષના પ્રદેશ પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેઓ ચાના બગીચાના માલિક પણ છે અને અન્ય ઘણા ક્ષેત્રોમાં તેમનો નોંધપાત્ર પ્રભાવ છે. તેમના જવાથી રાજ્યમાં ભાજપને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે.
ઉલ્લેખનીય છે, હાલ આસામમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના નેતૃત્વ હેઠળની સરકાર સત્તામાં છે. ઉત્તરપૂર્વીય રાજ્ય આસામમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ભાજપ આસામમાં જીતની હેટ્રિક ઇચ્છે છે.