Last Updated on by Sampurna Samachar
અંગ્રેજી તમારી માતૃભાષા જેટલું જ મહત્વપૂર્ણ : રાહુલ ગાંધી
અંગ્રેજી ભાષા વિવાદનો રાહુલે આપ્યો જવાબ
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહના ભાષા વિવાદ પર રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (RAHUL GANDHI) એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગરીબોના બાળકો અંગ્રેજી શીખે તેવું ઈચ્છતા નથી.
નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ‘ભારતમાં એવો સમય આવશે જ્યારે અંગ્રેજી બોલનારાઓ શરમ અનુભવશે.‘ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X‘ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ અંગ્રેજી બાંધ નથી, તે એક પુલ છે. અંગ્રેજી શરમ નથી, તે શક્તિ છે. અંગ્રેજી સાંકળ નથી, તે સાંકળો તોડવાનું એક સાધન છે. ભાજપ-RSS ગરીબ બાળકો અંગ્રેજી શીખે તેવું ઇચ્છતા નથી. તે નથી ઇચ્છતા કે ગરીબ બાળકો અભ્યાસ કરે, સવાલો પૂછે, આગળ વધે અને સમાનતા પ્રાપ્ત કરે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વળતો પ્રહાર કર્યો
આજના સમયમાં, અંગ્રેજી તમારી માતૃભાષા જેટલું જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે રોજગાર આપશે અને તમારો આત્મવિશ્વાસ વધારશે.‘ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X‘ પર પોસ્ટ સાથે રાહુલ ગાંધી એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે, ‘અંગ્રેજી એક હથિયાર છે.
જો તમે અંગ્રેજી શીખો છો, તો તમે ગમે ત્યાં એન્ટ્રી કરી શકો છો. જો તમે અંગ્રેજી શીખો છો, તો તમે અમેરિકા, જાપાન અને બીજે ક્યાંય પણ જઈ શકો છો. તમે ગમે ત્યાં કામ કરી શકો છો. જે લોકો અંગ્રેજીનો વિરોધ કરે છે તેઓ નથી ઈચ્છતા કે તમને કરોડો રૂપિયાની નોકરી મળે. તેઓ ઇચ્છે છે કે તમારા માટે દરવાજા બંધ રહે.‘
એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ‘ ભારતમાં ટૂંક સમયમાં એવો સમય આવશે જ્યારે અંગ્રેજી બોલનારાઓ પોતાને શરમ અનુભવશે. આવા સમાજનું નિર્માણ દૂર નથી. તમે તમારી સંસ્કૃતિ, ધર્મ અને ઈતિહાસને વિદેશી ભાષામાં સમજી શકતા નથી. આપણા દેશની ભાષાઓ આપણા આભૂષણ છે. વર્ષ ૨૦૪૭માં ભારતને વિશ્વમાં ટોચ પર રાખવામાં આપણી ભાષાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.‘ કેન્દ્રીય ગૃહમંત્રીના આ નિવેદન પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વળતો પ્રહાર કર્યો હતો.