ED ઑફિસમાં પહોચી આપ્યો પત્ર
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી ચૂંટણી પહેલા મતના બદલામાં મહિલાઓને પૈસા આપવાના આરોપમાં ઘેરાયેલા પ્રવેશ વર્માની મુશ્કેલી વધી છે. હવે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ED ઑફિસ પહોંચીને પ્રવેશ વર્મા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. દિલ્હી મુખ્યમંત્રી આતિશીએ ભાજપ નેતા પ્રવેશ વર્મા પર મતના બદલામાં પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદ દાખલ કરાવ્યા બાદ AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે, ED ઑફિસે ફરિયાદ પત્ર સ્વીકાર કરી લીધો છે. પરંતુ કોઈ અધિકારીએ અમને કાર્યવાહીનું આશ્વાસન નથી આપ્યું. ED શું કરશે, આ અંગે હું ન કહી શકું. તેમણે ફરિયાદની સત્તાવાર રસીદ આપી દીધી છે.
તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી આ મુદ્દાને લઈને ભાજપને ઘેરી રહી છે અને ચૂંટણીમાં રોકડની એન્ટ્રીને લઈને રાજનીતિ પણ ખૂબ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભાજપ નેતા પ્રવેશ વર્મા પર કેશ વહેંચવાનો આરોપ લગાવ્યો હતો. આતિશીએ કહ્યું હતું કે, ‘ભાજપ નવી દિલ્હી વિધાનસભામાં લોકોના વોટર કાર્ડ જોઈ-જોઈને રૂપિયા વહેંચી રહી છે. ભાજપના પ્રવેશ વર્મા રંગે હાથ પૈસા વહેંચતા પકડાઈ ગયા છે.’ મુખ્યમંત્રી આતિશીએ એક ફોટો જાહેર કરીને દાવો કર્યો કે, ‘નવી દિલ્હીમાં આવેલા ભાજપ નેતા પ્રવેશ વર્માના સરકારી આવાસ ૨૦ વિન્ડસર પ્લેસ પર મહિલાઓને ૧૧૦૦ રૂપિયા વહેંચવામાં આવી રહ્યા છે.’
તો આ મુદ્દે પલટવાર કરતાં પ્રવેશ વર્માએ પણ આમ આદમી પાર્ટીને ઘેરી હતી. પ્રવેશ વર્માએ કહ્યું હતું કે, ‘મારા પિતાજીએ રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થાનું નિર્માણ ૨૫ વર્ષ પહેલા કર્યું હતું. ગુજરાતમાં જે બે ભૂકંપ આવ્યા હતા, ત્યારબાદ અમે બે ગામડાંઓનું નિર્માણ કર્યું હતું. અમે ત્યાં બે હજારથી વધુ મકાન બનાવ્યા હતા.’